કહેવાય છેને સફળતાનું કોઈ શોર્ટકટ નથી હોતુ. સફળતા મેળવવા હંમેશા એક ગોલ નક્કી કરવો પડે છે અને પછી તે ગોલને પામવા માટે મહેનત કરવી પડે છે. ત્યારે સુરતના અંકિત ગોહિલે તનતોડ મહેનત કરીને GPSCની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવાનો ગોલ પ્રાપ્ત કર્યો હતો. ગુરુવારના રોજ GPSC દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં સુરતનો અંકિત ગોહિલ ગુજરાતમાં પ્રથમ આવ્યો.
અંકિતે મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો હતો. ત્યારબાદ તેને ભણતર પૂર્ણ કર્યા પછી 6 લાખનું જોબ પેકેજ ઓફર થયુ હતુ પરંતુ અંકિતને GPSCની પરીક્ષા આપવી હતી અને એટલા માટે તેને જોબને માન્ય કરી ન હતી. ત્યારબાદ તેને GPSCની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવાનું નક્કી કર્યું અને 2019 GPSCની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતુ. પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવા માટે તેને તનતોડ મહેનત શરૂ કરી દીધી. અંકિત ગુજરાતી વિષય ખૂબ જ નબળો હતો. એટલે તેને ગુજરાતી વિષય પર વધારે ધ્યાન આપ્યું. તે રોજના 12 કલાક વાંચન કરતો હતો અને અને કરંટ અફેર્સ પર વધારે ધ્યાન આપતો હતો.
અંકિતે 2017-18માં UPSCની પરીક્ષા આપી હતી પરંતુ તેમાં તેને સફળતા ન મળી અને તે નાપાસ થયો. ત્યારબાદ તેને સરકારી પરીક્ષાઓ ન આપવાનું નક્કી કરીને 2019માં GPSCની પરીક્ષા પાસ કરીને જ રહીશ તેવું નક્કી કર્યું હતુ. અંકિતે પરીક્ષાના છ મહિના પહેલા પોતના ઘરની દીવાલ પર લખી રાખ્યું હતું કે, GPSCમાં ગુજરાતમાં પ્રથમ આવીશ અને ક્લાસવન ઓફિસર બનીશ. તે આ વાક્યને રોજ સવારે ઉઠીને વાંચતો હતો અને ત્યારબાદ GPSCની તૈયારી માટે ગુજરાતી ન્યુઝ પેપર વાંચતો હતો. GPSCની પરીક્ષાની તૈયારી કરવા માટે અંકિતને નવસારીના ડેપ્યુટી કલેક્ટર પ્રવિણ જૈનાવતે ખૂબ જ મદદ કરી હતી. સંપૂર્ણ તૈયરી કરીને તેને GPSCની પરીક્ષા આપી અને પહેલી જ ટ્રાયમાં પાસ કરીને અંકિત ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો.