અખિલેશ સરકારના રિવરફ્રંટ કૌભાંડમાં 4 રાજ્યોમાં EDના દરોડા

0
32

લખનઉ: રિવર ફ્રન્ટ કેસમાં એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઈડી)એ ગુરુવારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. યુપીના લખનઉમાં ઘણી જગ્યાઓ સહિત દેશના ઘણાં રાજ્યોમાં એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ રાજ્યોમાં યુપી સિવાય હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પણ સામેલ છે. નોઈડાના સેક્ટર-62માં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તેમાં ઘણાં એન્જિનિયર, સિંચાઈ વિભાગના ઘણાં અધિકારીઓ વિરુદ્ધ પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હકીકતમાં સમાજવાદી પાર્ટીના શાસનકાળમાં લખનઉમાં બનેલી ગોમતી રિવરફ્રંટના નિર્માણમાં નાણાકીય અનિયમિતતાનો ગંભીર આરોપ છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ સરકાર સત્તા પર આવ્યાં પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાતે ગોમતી રિવરફ્રંટની મુલાકાત કરી હતી. ત્યારપછી ગોમતી નદી ચેનલાઈઝેશન પ્રોજેક્ટ અને ગોમતી નદી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટમાં થયેલા નાણાકીય કૌભાંડની ન્યાયિક તપાસ હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ આલોક સિંહની અધ્યક્ષતામાં સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિએ તેમનો રિપોર્ટ 16 મે 2017ના રોજ રાજ્ય સરકારને સોંપ્યો હતો. તેમાં દોષિતોની સામે એફઆઈઆર કરવાની ભલામણ પણ કરવામાં આવી હતી. સમિતિએ તે સમયના મુખ્ય સચિવ આલોક રંજન અને સિંચાઈ વિભાગના પ્રમુખ સચિવ દીપક સિંઘલ સામે વિભાગીય તપાસની ભલામણ કરી હતી.

ઈડીએ દસ્તાવેજ કબજે કર્યા

ઈડીએ આ કેસમાં નામજોગ આરોપી ચીફ એન્જિનિયર ગોલેશ ચંદ્ર (નિવૃત્ત), એસએન શર્મા, કાઝિમ અલી અને સુપરિટેન્ડેન્ટ એન્જિનિયર શિવમંગલ યાદવ (નિવૃત્ત), અખિલ રમન, કમલેશ્વર સિંહ, રુપ સિંહ યાદવ (નિવૃત્ત) અને એક્ઝીક્યૂટિવ એન્જિનિયર સુરેશ યાદવ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈ નામજોગ આરોપી સાથે પૂછપરછ કરવાની સાથે ઘણાં મહત્વના દસ્તાવેજ પણ જપ્ત કરી ચૂકી છે.

60 ટકા કામ જ પુરુ થઈ શક્યું

રિવરફ્રન્ટ નિર્માણ માટે રૂ. 747.49 કરોડનું બજેટ હતું. માનવામાં આવે છે કે, મુખ્ય સચિવની બેઠકમાં નિર્માણકાર્ય માટે 1990.24 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જુલાઈ 2016માં 1513.51 કરોડ રૂપિયા મંજૂર થયા હતા. નિર્માણકાર્યમાં નક્કી થયેલી રકમમાંથી રૂ. 1437.83 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા. પરંતુ અંદાજે 60 ટકા કામ જ પુરૂ થઈ શક્યું છે.

આ કેસની ફરિયાદ પ્રમાણે સપા સરકાર દરમિયાન ગોમતી નદીના કિનારાને વિકસીત કરવાની યોજના શરૂ કરવામાં આવી હતી. તેમાં 1513 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ ખર્ચમાં કૌભાંડ થયું હોવાની ફરિયાદ મળી છે પરંતુ તે સમયે સપા સરકારે કોઈ કાર્યવાહી કરી નહતી.

રાજ્યમાં યોગી આદિત્યનાથની સરકાર આવતા આ કૌભાંડમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારપછી તેમાં તપાસ શરૂ થઈ હતી. 19 જૂન 2017ના રોજ પોલીસે પણ આ કેસમાં ફરિયાદ નોંધી હતી. ત્યારપછી આ તપાસ સીબીઆઈને આપી દેવામાં આવી હતી. ઈડી પણ આ કેસમાં તપાસ કરી રહી છે અને આજે ઘણાં અધિકારીઓ સહિત એન્જિનિયરોના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here