અજીત ડોભાલ 5 વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે યથાવત રહેશે, કેબિનેટ મંત્રીનો દરજ્જો મળ્યો

0
18

નેશનલ ડેસ્કઃ વડાપ્રધાન મોદીના પહેલાં કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલાં અજીત ડોભાલ હવે મોદી સરકાર 2માં પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બની રહેશે. આ સાથે જ તેઓને મોદી સરકારમાં કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો પણ મળશે. અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કામ માટે મોદી સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે. તેમની નિમણૂક પાંચ વર્ષ માટે થઈ છે.

પાકિસ્તાનમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાં પર એર સ્ટ્રાઈક અજીત ડોભાલની દેખરેખ હેઠળ જ થઈ હતી. તેઓએ પોતે જ આ અંગે વડાપ્રધાન મોદીને જાણકારી આપી હતી. તેઓ પાકિસ્તાન વિરૂદ્ધ થયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ પણ ભારે ચર્ચામાં આવ્યા હતા. આ ઉપરાંત સપ્ટેમ્બર 2016માં પીઓકેમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં પણ ડોભાલની ભૂમિકા મહત્વની હતી. તેઓએ આ મિશનથી પહેલાં સેનાના ત્રણેય ચીફ અને ગુપ્તચર એજન્સીના હેડની સાથે મીટિંગ કરી હતી. મીટિંગમાં નક્કી થયું હતું કે મિશન અંતર્ગત LoCની પાર આઠ આતંકી કેમ્પ પર હુમલો કરવામાં આવે.

કોણ છે અજીત ડોભાલ?

  • અજીત ડોભાલની ગણતરી દેશના સૌથી તાકતવાર બ્યૂરોક્રેટ્સમાં ગણાય છે. મોદી સરકારના પહેલાં કાર્યકાળમાં તેઓને NSA ઉપરાંત સ્ટ્રેટેજિક પોલિસી ગ્રુપ (SPG)ના સચિવ બનાવવામાં આવ્યા હતા.
  • ડોભાલ પાકિસ્તાનના લાહોરમાં પોતના દેશની રક્ષા માટે 7 વર્ષ સુધી મુસ્લિમ બનીને રહ્યાં હતા. તેઓને ભારતના સૈન્ય સન્માન કીર્તિ ચક્રથી નવાજવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર તેઓ પહેલાં અધિકારી હતા.
  • 1968 કેરળ બેચના IPS અધિકારી અજીત ડોભાલ પોતાની નિમણૂંકના ચાર વર્ષ પછી 1972માં ઈન્ટેલિજન્સ બ્યૂરો સાથે જોડાયાં હતા.
  • અજીત ડોભાલે કરિયરમાં મોટા ભાગે ગુપ્તચર વિભાગમાં જ કામ કર્યું છે.
  • વર્ષ 1989થી અજીત ડોભાલે અમૃતસરમાં સ્વર્ણ મંદિરમાં આતંકીઓને કાઢવા માટે ઓપરેશન બ્લેક થંડરનું નેતૃત્વ કર્યુ હતું.
  • 30 મે, 2014નાં રોજ વડાપ્રધાન મોદીએ અજીત ડોભાલના દેશના 5માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here