Saturday, September 25, 2021
Homeઅડવાણીએ બ્લોગ લખી અમિત શાહ અને મોદીની પોલ ખોલી છે, છતાં તેમને...
Array

અડવાણીએ બ્લોગ લખી અમિત શાહ અને મોદીની પોલ ખોલી છે, છતાં તેમને શરમ નથી

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના બ્લોગ અંગે પ્રેસ કોન્ફ્રન્સ સંબોધી પીએમ મોદી અને અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી. તેમણે કહ્યુ કે, અડવાણીજીએ બ્લોગ લખી પીએમ મોદી અને અમિત શાહની પોલ ખોલી છે. તેમ છતા પીએમ મોદી અને અમિત શાહના ચહેરા પર સહેજ પણ શરમ જોવા મળતી નથી. અડવાણીએ પોતાના દિલની વાત કરતા ભાજપ ખુલી પડી છે. સુરજેવાલાએ વધુમાં જણાવ્યુ કે, પાર્ટીના વરિષ્ઠ નેતાની ભાજપ દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી છે. આ ભાજપના સંસ્કાર છે.
અડવાણીએ શું લખ્યું હતું બ્લોગમાં ?

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ બ્લોગ લખીને ભાજપના સ્થાપના દિવસ પહેલાં ભાજપની વર્તમાન નેતાગીરી, કાર્યકરોને ભાજપના મૂળભૂત સિદ્ધાંતો ગાંઠે બંધાવ્યા હતા. બ્લોગમાં અડવાણીએ આડકતરી રીતે વર્તમાન સિદ્ધાંતો સામે આંગળી ચીંધી હતી. એલ.કે. અડવાણીએ આઠ ફકરામાં અંગ્રેજીમાં બ્લોગ લખ્યો હતો. આગામી છઠ્ઠી એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ આવતો હોવાથી તેના સંદર્ભમાં ભાજપના આ સ્થાપક સભ્યએ પાર્ટીના મૂળભૂત સિદ્ધાંતો બાબતે એ બ્લોગમાં લખ્યું હતું : ‘છઠ્ઠી એપ્રિલે આપણે ભાજપનો સ્થાપના દિવસ મનાવીશું ત્યારે પાછળ ફરીને જોવાની જરૃર છે, આગળ પણ જોવાની જરૃર છે અને સૌથી વધુ તો અંદર જોવાની જરૃર છે. ભાજપે હંમેશા વિવિધતામાં એકતાનું મહત્વ સ્વીકાર્યું છે અને દેશના લોકોની, વિરોધ પક્ષોની, મીડિયાની સ્વતંત્રતા, અખંડિતતા, નિષ્પક્ષતા અને મજબૂતીની માગણી કરી છે. વિચારધારા સાથે સહમત ન થનારા કોઈ પણ પક્ષને કે વ્યક્તિને ભાજપે ક્યારેય દેશ વિરોધી કે દેશદ્રોહી ગણ્યા નથી’

અડવાણીએ ગાંધીનગરના મતદારોનો આભાર માનતા લખ્યું હતું : ‘મને ૧૯૯૧થી છ વખત ગાંધીનગરની બેઠક ઉપરથી ચૂંટી કાઢવા માટે હું ગાંધીનગરના લોકોનો આભારી છું.’ તેમણે જૂના સાથીનેતાઓને યાદ કરીને કહ્યું હતું : ‘હું ૧૪ વર્ષની વયથી સંઘ સાથે જોડાયેલો છું. તે પછી જનસંઘનો સ્થાપક સભ્ય રહ્યો હતો અને તે પછી ભાજપનો સ્થાપક સભ્યોમાં પણ સામેલ હતો. એ દરમિયાન દિનદયાળ ઉપાધ્યાયથી લઈને અટલ બિહારી વાજપેયી જેવા મહાન નેતાઓ સાથે કામ કર્યું હતું અને તે સિવાયના અસંખ્ય દિગ્ગજો સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો’ અડવાણીએ પોતાના જીવન મંત્ર બાબતે આ બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું : ‘મારા માટે સૌથી પહેલા ક્રમે દેશ આવે છે. તે પછી બીજા ક્રમે પક્ષ અને સૌથી છેલ્લે મેં મારી જાતને મૂકી છે. મેં આ નીતિને હંમેશા અનુસરી છે.’

અડવાણીએ વૈવિધ્ય સ્વીકારીને લોકશાહીનું સન્માન આપવાની શિખામણ પક્ષના નેતાઓ અને કાર્યકરો આપી હતી. છેલ્લે અડવાણીએ ૨૦૧૪માં બ્લોગ લખ્યો હતો. એ વખતે ચૂંટણી પ્રચારના સ્મરણો એમાં વાગોળ્યા હતા. તે પછી બરાબર પાંચ વર્ષે તેમણે આ બ્લોગ અપડેટ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બ્લોગના સંદર્ભમાં કહ્યું હતું : ‘અડવાણીજીએ બ્લોગમાં ખરેખર ભાજપની વિચારધારાને રજૂ કરી છે. મને ગૌરવ છે કે હું ભાજપનો કાર્યકર છું, મને ગૌરવ છે કે આપણી પાસે અડવાણીજી જેવા નેતા છે. મને અડવાણીજીની નેશલ ફર્સ્ટ, પાર્ટી નેકસ્ટ અને સેલ્ફ લાસ્ટની નીતિ ખૂબ જ પ્રભાવિત કરે છે’.

૯૧ વર્ષના વરિષ્ઠ નેતા અડવાણી ભાજપના સહસ્થાપક છે. તેમણે આ બ્લોગથી ભાજપના વર્તમાન નેતૃત્વની કાર્યશૈલી બાબતે દિશા બતાવી છે. અત્યારે ભાજપના નેતાઓ વિપક્ષોને દેશવિરોધી ગણાવીને સભાઓ ગજવતા હોય છે તે સંદર્ભમાં અડવાણીનો આ બ્લોગ ઘણો સાંકેતિક છે.મિડિયાની સ્વતંત્રતા, સામાન્ય લોકો અને વિરોધપક્ષોની સ્વતંત્ર વિચારધારાને સન્માનીત કરવી ભાજપની નીતિ છે: અડવાણીજીએ ખરા અર્થમાં ભાજપની વિચારધારા રજૂ કરી છે, અડવાણી જેવા નેતા આપણી પાસે છે : મોદીએ બ્લોગ પોસ્ટની પ્રશંસા કરી

ગુરુ સાથે ગેરવર્તન કરનારા મોદી દેશને હિન્દુધર્મ ન શીખવે : રાહુલ
આજની ભાજપની વિચારધારા જોયા પછી પાર્ટીના સહ-સ્થાપક અડવાણીજીના લોકશાહીના વિચારો ખૂબ મહત્વના : મમતા બેનરજી

ભાજપના સહ-સ્થાપક એલ.કે. અડવાણીના બ્લોગ પછી વિપક્ષોએ પણ ભાજપ ઉપર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ નાગપુરમાં ચૂંટણીસભામાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુરુ અડવાણીજી સાથે જેવું વર્તન કર્યું તે પછી તેમણે દેશને હિન્દુધર્મ બાબતે શીખામણો આપવાનું બંધ કરવું જોઈએ.મોદીએ આપણને હિન્દુ ધર્મ ન શીખવવો જોઈએ. કારણ કે હિંદુ ધર્મમાં તો ગુરુને સન્માન આપવાની પરંપરા છે, જ્યારે મોદીએ તો તેમના ગુરુને સાઈડલાઈન કરીને ગેરવર્તન કર્યું છે.

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે ભાજપના સહસ્થાપક અડવાણીજીના વિચારો આજે એટલા માટે મહત્વના છે કે ભાજપની વર્તમાન નેતાગીરી વિરોધપક્ષોનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ કરે છે. ટ્વીટ કરીને મમતા બેનરજીએ અડવાણીની પ્રશંસા કરતા કહ્યું હતું કે અડવાણીજીએ લોકશાહીને લગતા જે વિચારો વ્યક્ત કર્યા છે તેનું સન્માન કરવું જોઈએ. વિપક્ષો કોઈ બાબતે સવાલો કરે તો એ રાષ્ટ્રવિરોધી થઈ જતા નથી એ વાત અડવાણીજી પાસેથી ભાજપે શીખવી જોઈએ.
ભાજપની વિચારધારા-કાર્યપધ્ધતી હાથીના બતાવવાના અને ચાવવાના જુદા જેવી પરિસ્થિતિ!

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાજદ્રોહની કલમ કાઢી નાખવાની જાહેરાત કરી છે અને ભાજપના કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસની નીતિને રદ કરવાના મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે. દેશભરમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીએ પોતાના બ્લૉગમાં લખ્યું છે કે ભાજપે હંમેશા વિવિધતામાં એક્તાનું મહત્વ સ્વીકાર્યું છે.દેશના લોકોની, વિરોધપક્ષોની, મિડીયાની સ્વતંત્રતા, અખંડિતતા, નિષ્પક્ષતા અને મજબૂતીની માગણી કરી છે. વિચારધારા સાથે સંમત ન થનારા કોઇપણ પક્ષને કે વ્યક્તિને ભાજપે ક્યારેય દેશ વિરોધી ગણ્યો નથી.

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માનનીય અડવાણીજીના બ્લૉગની પ્રસંશા કરતા લખ્યું છે કે ભાજપની આ વિચારધારા છે તેનું મને ગૌરવ છે. આપણી પાસે અડવાણીજી જેવા નેતા છે. આ બન્ને નેતાઓ ભાજપની વિચારધારા રજૂ કરે છે અને બીજી તરફ ભાજપના કાર્યકરો કોંગ્રેસની રાજદ્રોહની કલમ દૂર કરવાની ટીકા કરે છે ત્યારે હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા જેવો ઘાટ ઘડાયો છે. પાટીદાર આંદોલન સમયે પાટીદારોને થયેલા અન્યાય અંગે અવાજ રજૂ કરનાર હાર્દિક પટેલને ભાજપની ગુજરાત સરકારે રાષ્ટ્રદ્રોહી ચિતર્યો હતો અને રાષ્ટ્રદ્રોહના ગુનાની કલમો લગાવી હતી.

હાર્દિક કેવા પ્રકારનો રાષ્ટ્રદ્રોહ કર્યો હતો તે માત્ર સરકાર અને તેના વહીવટીતંત્રએ કાગળ પર શું ચિતરામણ કર્યું હશે તે તો ભવિષ્ય જ કહી શકશે પરંતુ આ દેશના કોઇપણ સામાન્ય માનવી પોતાની રાજકીય વિચારધારા પ્રગટ કરે અને તેમાં સત્તાધીશો દમનનો કોરડો વીંઝીને કોઇપણ વ્યક્તિને રાષ્ટ્રદ્રોહી જાહેર કરે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી જાહેરમાં રાષ્ટ્રદ્રોહની વ્યાખ્યાનું જે આલેખન કરે છે અને તેની સામે ભાજપ સરકારની વાસ્તવિક્તા કંઇક જુદી જ કાર્યપધ્ધતિ પ્રદર્શિત કરે છે. જેણે બિચારા સામાન્ય માનવીને મુંઝવણભરી સ્થિતિમાં મૂકી દીધો છે કે સાચું શું માનવું ભાજપના નેતાઓના શબ્દો કે કાર્યપધ્ધતી?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments