Sunday, November 28, 2021
Homeઅભિનંદનની મુક્તિ પહેલાં પાકિસ્તાને રિલીઝ કર્યો વીડિયો, પ્રોપગેન્ડા ચાલમાં પોતે જ ફસાયું
Array

અભિનંદનની મુક્તિ પહેલાં પાકિસ્તાને રિલીઝ કર્યો વીડિયો, પ્રોપગેન્ડા ચાલમાં પોતે જ ફસાયું

નવી દિલ્હીઃ પાકિસ્તાને ધરપકડ કરેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શુક્રવારે રાત્રે વતન પરત ફર્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને 28 ફેબ્રુઆરીના રોજ સંસદમાં સંબોધન દરમિયાન તેઓ અભિનંદનને ભારતને સોંપશે તેવી જાહેરાત બાદ ભારતમાં અભિનંદનને આવકારવા માટે હજારો લોકો વાઘા બોર્ડર પહોંચી ગયા હતા. મોડીરાત્રે પરત ફરેલા વિંગ કમાન્ડ વર્ધમાનનું ભારત પહોંચતા જ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું અને હાલ અન્ય ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે અભિનંદનનો પાકિસ્તાન છોડ્યાં પહેલાં પાકિસ્તાનની આર્મીએ રેકોર્ડ કરેલો વીડિયો ચર્ચામાં છે. અભિનંદનની મુક્તિની થોડી મીનિટો પહેલાં પાકિસ્તાને પોતાના બદઇરાદા દર્શાવી દીધા, તેણે અભિનંદન પાસે બળજબરીથી એક વીડિયો તૈયાર કરાવ્યો અને પોતાના સૈન્યના વખાણ કરાવ્યા. આ વીડિયોને પાકિસ્તાની મીડિયામાં ચલાવ્યો.

બળજબરીપૂર્વક રેકોર્ડ કરાવવામાં આવ્યો વીડિયો
ભારત આવતા પહેલાં પાક આર્મીએ અભિનંદન પાસે એક વીડિયો રેકોર્ડિંગ કરાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રેકોર્ડિંગના કારણે જ વર્ધમાનની વતન વાપસીમાં મોડુ થઇ ગયું હતું.
આ વીડિયો હાલ પાકિસ્તાને વાઇરલ કર્યો છે જેમાં અભિનંદને પાકિસ્તાની આર્મીના ભરપૂર વખાણ કર્યા છે અને ભારતીય મીડિયાને વખોડ્યું છે. જો કે, ધ્યાનથી જોવામાં આવે તો આ વીડિયોમાં અંદાજિત 17થી વધુ કટ્સ છે અને બળજબરીપૂર્વક વીડિયો રેકોર્ડિંગ થયું હોય તેવું સ્પષ્ટ દેખાઇ આવે છે.
CN24NEWS આ વીડિયોને સંયમ જાળવવાના હેતુથી પ્રકાશિત કરી રહ્યું નથી. CN24NEWS લોકોને અપીલ કરે છે કે, આ પ્રકારના વીડિયોને વાઇરલ થતા અટકાવે અને અન્ય કોઇ અફવાઓને ફેલાવા ના દે.
આ વીડિયોમાં અભિનંદન પાકિસ્તાની આર્મી પ્રોફેશનલ છે અને તેણે જ લોકોના રોષથી તેઓનો બચાવ કર્યો, સારો વ્યવહાર કર્યો તેવું કહેતા જોવા મળે છે. વીડિયો જોતાં એક વાત સ્પષ્ટ દેખાય છે કે, તેમાં અભિનંદન જે કહી રહ્યા છે, તે એડિટ કરીને રજૂ કરવામાં આવ્યું છે. દોઢ મીનિટના આ વીડિયોમાં 17થી વધુ કટ છે.
આ અગાઉ પાકિસ્તાન અભિનંદનને મુક્ત કરવા માટે સવારથી જ આનાકાની કરતું રહ્યું. પહેલાં પાકિસ્તાને અભિનંદનને સવારે ભારતને સોંપવાની વાત કહી, ત્યારબાદ બપોરે બે અને પછી રાત્રે પેપર વર્કમાં મોડું થયાની દલીલ કરી હતી.
અભિનંદને શું કહ્યું છે આ વીડિયોમાં?
આ વીડિયોની શરૂઆતમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પોતાનો પરિચય આપે છે. અભિનંદન કહે છે કે, તેઓ ટાર્ગેટ શોધવાની કોશિશ કરી રહ્યા હતા અને પાકિસ્તાનના ફાઇટર જેટ્સે તેમના વિમાનને તોડી પાડ્યું. ત્યારબાદ મારે મારું જેટ છોડવું પડ્યું અને પેરાશૂટ લઇને હું નીચે આવી ગયો. પેરાશૂટથી હું જ્યારે નીચે આવ્યો ત્યારે મારી પાસે પિસ્તોલ હતી અને લોકો મોટી સંખ્યામાં હતા.
મારી પાસે બચાવનો એક જ રસ્તો હતો, મેં મારી પિસ્તોલ ફેંકી દીધી અને ભાગવાની કોશિશ કરી. મારી પાછળ લોકો પડ્યા હતા. આ સમયે જ પાકિસ્તાની આર્મીના બે જવાન આવ્યા, તેઓએ મને બચાવ્યો. આર્મી કેપ્ટને પણ મને બચાવ્યો, મને યુનિટ સુધી લઇ જઇ મને ફર્સ્ટ એડ આપ્યું. ત્યારબાદ મને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાં મારી વધુ સારવાર થઇ.
પાકિસ્તાની આર્મી ખૂબ જ પ્રોફેશનલ છે, મેં તેમની સાથે સમય પસાર કર્યો છે. ઇન્ડિયન મીડિયા વાત ખૂબ જ વધારીને કહે છે. તેઓ નાની વાતને પણ આગ લગાવીને, મીઠું મરચું નાખીને બતાવે છે જેથી લોકો ઉશ્કેરાઇ જાય છે. આ લાઇન બાદ વીડિયો બંધ થઇ જાય છે.
પોતાની ચાલમાં પોતે જ ફસાયું પાકિસ્તાન
પાકિસ્તાનના મીડિયાએ આ વીડિયો રિલીઝ કર્યા બાદ હવે તેઓ પોતે જ આ ચાલમાં ફસાઇ ગયા છે. કારણ કે જિનિવા સંધિ અનુસાર, પકડાયેલા યુદ્ધ કેદી પાસે તમે કોઇ પણ પ્રકારના વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ કરાવી ના શકો. આ વાતનું ભાન પાકિસ્તાનને મોડેથી થયું અને તેઓએ આ વીડિયો ડિલીટ કરી દીધો હતો.
આંતરરાષ્ટ્રીય લેવલે પાકિસ્તાને રિલીઝ કરેલા આ વીડિયોનો વિરોધ થઇ રહ્યો છે. પાકિસ્તાન આ વીડિયોનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા માંગતું હતું, પરંતુ હવે આ વીડિયોએ જ તેની મુશ્કેલીઓમાં ઓર વધારો કર્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments