અમદાવાદના 203 ટ્યૂશન ક્લાસીસમાંથી માત્ર ત્રણમાં જ ફાયર સેફ્ટી

0
50

અમદાવાદ: ગ્રામ્ય ડીઇઓ દ્વારા એક અઠવાડિયા દરમિયાન ટ્યૂશન ક્લાસીસમાં ચાલેલા ફાયર એનઓસીની મંજૂરીના ચેકિંગ દરમિયાન માત્ર ત્રણ ક્લાસીસ પાસે જ ફાયર વિભાગની મંજૂરી હતી. ક્લાસીસની ફાયર એનઓસીની બેદરકારી સામે કલેક્ટરે કડક પગલાં લેવાની ચીમકી આપી છે. અમદાવાદ કલેક્ટરે ફાયર એનઓસી ન ધરાવતા ક્લાસીસને એક મહિનાનો સમય આપ્યો છે. એક મહિના બાદ અચાનક ચેકિંગ દરમિયાન જો ક્લાસીસમાં ફાયર એનઓસી નહીં હોય તો ક્લાસીસને સીલ મારવાના આદેશ આપ્યા છે.

203 ક્લાસીસમાં ચેકિંગ હાથ ધરાયું હતું
  • ગ્રામ્ય ડીઇઓની કચેરી દ્વારા શહેરના જીવરાજપાર્ક, વેજલપુર, જોધપુર, સેટેલાઇટ, રાણીપ, ગોતા, નિકોલ, ગુરુકુળ, નારાયણપુરા વિસ્તારમાં આવેલા 203 ક્લાસીસમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ગ્રામ્ય ડીઇઓ દ્વારા દરેક ક્લાસીસમાં બાળકોને આપવામાં આવતી વિવિધ ફેસેલિટીને ધ્યાનમાં રાખીને ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ફાયર એનઓસીની સાથે હવા ઉજાસ, પીવાના પાણીની વ્યવસ્થા, વોશરૂમની વ્યવસ્થા, ઇમરજન્સીમાં ક્લાસીસમાંથી બહાર આવવા શું વ્યવસ્થા કરવામાં આવી છે, વગેરે બાબતોની સ્થળ ચકાસણી કરવામાં આવી હતી.
  • ચેકિંગ માટે ગ્રામ્ય ડીઇઓના અધિકારીઓને ખાસ પ્રશ્નાવલી આપવામાં આવી હતી. જેને લઇને તેઓએ દરરોજના પાંચ ક્લાસીસમાં ફરજિયાતપણે વિઝીટ કરવા જણાવ્યું હતું. ત્રણ જેટલા ક્લાસીસમાં અધિકારીઓની વિઝીટ બાદ સંચાલકો દ્વારા અગ્નીશામક માટેની બોટલ મંગાવવામાં આવી હતી. તેથી આ અભિયાનના અંતે સંચાલકોમાં પણ અવેરનેસ ફેલાઇ રહી હોવાનું જાણવા મળ્યું હતું.
સોસાયટી- ફ્લેટમાં ચાલતા ક્લાસીસે પણ મંજૂરી લેવી ફરજિયાત

અમદાવાદ જિલ્લામાં કુલ 750 ટ્યૂશન ક્લાસીસ છે. જેમાંથી 250નો સરવે થયો છે. જેમાંથી ત્રણ ક્લાસીસમાં ફાયર સેફ્ટી હતી. ક્લાસીસને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરાયા છે. પ્રથમ કેટેગેરીમાં મોટા ક્લાસીસ એટલે કે લિમિટેડ કંપની હોય તેવા તમામ ક્લાસીસોમાં ફાયર સેફ્ટી આવશ્યક છે. બીજી કેટેગરીમાં કોમર્શિયલ બિલ્ડિંગમાં કાર્યરત હોય અને રજિસ્ટ્રેશન કરાવ્યું ન હોય તેમની તાત્કાલિક નોંધણી કરી ફાયર સેફ્ટી ઊભી કરવી. આ બંને કેટેગરીમાં ફાયર સેફ્ટી ઊભી કરવા અપાયેલી એક મહિનાની સમય મર્યાદા બાદ ક્લાસીસને સીલ મારવામાં આવશે, ત્રીજી કેટેગરીમાં ઘરમાં ક્લાસ ચાલતા હોય તેવી સોસાયટી અને ફ્લેટમાં ફાયર સેફ્ટી હોવી જરૂરી છે. અચાનક તપાસમાં સેફ્ટી નહીં હોય તો સ્થળ પર જ પગલાં ભરાશે. આ અંગે કોર્પોરેશનને પણ સૂચના આપવામાં આવી છે. – ડો. વિક્રાંત પાંડે, કલેક્ટર, અમદાવાદ

ઘણા ક્લાસીસમાં હવા-ઉજાસ પણ નથી

જમા કરાયેલા રિપોર્ટમાં મોટાભાગના ક્લાસીસમાં હવા ઉજાસની સમસ્યા હતી. કારણ કે કોમ્પ્લેક્સમાં ક્લાસીસ હોવાથી, ફુલ્લી એસી હોવાથી ક્લાસરૂમને હવા બહાર ન જાય તે રીતે સંપૂર્ણ સિલ બંધ કરવામાં આવતી હોવાનું અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here