અમદાવાદની કર્ણાવતી યુનિ.ના બે વિદ્યાર્થી સેલ્ફી લેવા જતાં નર્મદા કેનાલમાં ડૂબ્યા

0
36

કલોલ: કલોલ તાલુકાના જાસપુર કેનામાં ઉવારસદની કર્ણાવતી યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ ડૂબી ગયાની ઘટના બની છે. મૂળ મોરબીના અને ગાંધીનગર પાસેની કર્ણાવતી યુનિ.ની બીબીએ કોલેજમાં અભ્યાસ કરતા બંને યુવાનો કેનાલ પાસે સેલ્ફી લેતા હતા ત્યારે એક યુવાનનો પગ લપસી પડતાં તે કેનાલમાં પડ્યો હતો. પોતાના મિત્ર ડૂબતો જોઈ બીજો મિત્ર તેને બચાવવા માટે પાણીમાં કૂદતા તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ચકચારી ઘટનામાં પોલીસ સુત્રોથી પ્રાપ્ત વિગતો અનુસાર મુળ મોરબીના વતની ધાર્મિન કાસુંદ્રા (ઉ.વ.20) તેમજ પ્રીત આદ્રોજા (ઉ.વ. 19) હાલમાં ગાંધીનગર તાલુકાના ઉવારસદ ગામે આવેલી કર્ણાવતી યુનિ.ની હોસ્ટેલમાં રહી બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા. ગુરૂવારે બપોરે 2:30 કલાકે તેઓ કલોલ તાલુકાના જાસપુર ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કેનાલ પાસે સેલ્ફી લેવા માટે ઉભા રહ્યા હતા. મોબાઇલમાં  ફોટા પાડતી વખતે એક યુવાનનો પગ લપસતા તે કેનાલમાં પડી ગયો હતો. ત્યારે પોતાના મિત્રને બચાવવા માટે બીજા યુવાને પણ પાણીમાં ઝંપલાવ્યું હતું.

આ બનાવની આસપાસના લોકોને જાણ થતાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવના પગલે દોડી આવે 108 ના પ્રતિકભાઇ વ્યાસે આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. અને બહીયલ ગામના તરવૈયાઓની મદદથી પોલીસે લાશ શોધખોળ હાથ ધરી હતી પરંતુ હજુ સુધી લાશ મળી ન હતી. પોલીસને બનાવ સ્થળેથી એક બિનવારસી એક્ટિવા પણ મળી આવ્યું છે. આ એક્ટીવા આ યુવાનોનું છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

બંને યુવાનોની લાશ મોડી રાત સુધી ન મળતાં વહેલી સવારથી NDRFના અત્યાધુનિક સાધનો વડે શોધખોળ કરવામાં આવી રહી છે. કેનાલના છ દરવાજા ખોલી પાણીના પ્રવાહને ઓછો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here