અમદાવાદની રાજપથ ક્લબમાં પ્રમુખની જાણમાં જ 8 કરોડની રકમનું મેમ્બરશિપ કૌભાંડ

0
18

અમદાવાદ: શહેરની પ્રતિષ્ઠિત રાજપથ ક્લબમાં મૃતક મેમ્બરોની મેમ્બરશીપ બારોબાર વેચી દેવાના કૌભાંડમાં ક્લબના પ્રમુખ જગદીશ પટેલ અને ક્લબના આસિસ્ટન્ટ એચઆર મેનેજર હિતેષ દેસાઈ સામે આવી ગયા છે. કૌભાંડની તપાસ માટે બોર્ડે કમિટીની નિમણૂક કરી છે.

HR મેનેજર હિતેશ અને પ્રમુખ જગદીશ પટેલ આમને સામને

આસિસ્ટન્ટ એચઆર મેનેજર હિતેષ દેસાઈએ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, કલબના આસિસ્ટન્ટ એચઆર મેનેજર હિતેશ દેસાઇએ કલબના પ્રેસિડેન્ટ જગદીશ પટેલ, બેલોટીન કમિટીના ડિરેકટરો જયેશ ખાંડવાલા, મુકેશ ગીયા અને ફેનીલ શાહની જાણકારીમાં બોગસ 38 મેમ્બરશીપ આપવામાં આવી હતી. જ્યારે ક્લબના પ્રમુખ જગદીશ પટેલે કહ્યું હતું કે, કલબની મેમ્બરશીપ ક્લબની જાણ બહાર વેચી હોવાનું કૌભાંડ ક્લબના કર્મચારી હિતેશ દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ મામલે તપાસ પણ સોંપવામાં આવી છે. 10 દિવસમાં તપાસ કમિટીને રિપોર્ટ સોંપવા બોર્ડે તાકીદ કરી છે.

3 વર્ષથી કૌભાંડ ચાલતું, મને ખોટો ફસાવાયો

મૃતક મેમ્બર્સના પરિવારજનોએ ક્લબમાં હોબાળો કર્યો ત્યારે મેમ્બરશીપ વેચવાનું કૌભાંડ બહાર આવ્યું. પણ આવું છેલ્લા બે-ત્રણ વર્ષથી ચાલી રહ્યું હતું. રૂ.10થી 12 લાખમાં પ્રમુખ જગદીશ પટેલ, જયેશ ખાંડવાલા, મુકેશ ગીયા અને ફેનિલ શાહની જાણકારીમાં મેમ્બરશીપ વેચાતી. આઇડી પ્રૂફ મંગાવી અને નોટરીનું કામ મારું હતું. પૈસા બાબતે મને કોઇ ખ્યાલ નથી મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. હું 2017થી મેમ્બરશીપ ડિપાર્ટમેન્ટ સંભાળતો હતો. – હિતેશ દેસાઇ, આસિસ્ટન્ટ એચ.આર મેનેજર રાજપથ કલબ

જે નામ ખૂલશે તેમની સામે કાર્યવાહી

હિતેષ દેસાઈ સ્વબચાવમાં ખોટા આક્ષેપો કરે છે. મેમ્બરશીપની પ્રક્રિયા નેવે મૂકી હતી. મેમ્બરશીપ ફોર્મ કે મેમ્બરશીપ ફી કલબમાં જમા થઇ જ નથી. કૌભાંડ અંગે તપાસ કમિટી જે રિપોર્ટ આપશે અને જે નામ આપવામાં આવશે તે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. જૂન 2015માં થયેલા મેમ્બરશીપના ભાવ વધારા પછી કોઇ પણ મેમ્બરોને જૂના ભાવે મેમ્બરશીપ આપી નથી. – જગદીશ પટેલ, પ્રેસિડેન્ટ રાજપથ કલબ

8 કરોડથી વધુની રકમથી 38 મેમ્બરશિપ વેચાઈ

રાજપથ ક્લબના વેચાણ, કેન્સલ અને મૃત્યુ પામેલા મેમ્બરોના ખોટા પુરાવા ઊભા કરી મેમ્બરશીપ બારોબાર વેચી નખાતી હતી. રૂ. 23.50 લાખની મેમ્બરશિપ ફીની જગ્યાએ રૂ. 10થી 12 લાખ લઇને 38 મેમ્બરશિપને રૂ. 8 કરોડથી વધુમાં વેચી દીધી હોવાનું બહાર આવ્યું છે. કલબના એચઆર આસિસ્ટન્ટ હિતેશ દેસાઇએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ડિરેકટરોની જાણ બહાર આઇકાર્ડ 38 મેમ્બરોને આપ્યા હોવાનું કલબના જનરલ મેનેજરે જણાવ્યું હતું.મૃતક મેમ્બરના પરિવારજનોના હોબાળાથી કૌભાંડ ખૂલ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here