અમદાવાદની હોસ્પિટલ, દમણની ગારમેન્ટ કંપની અને સુરત-વડોદરામાં કાર ભડભડ સળગી

0
63

રાજ્યના અલગ અલગ ચાર વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં દમણની ગારમેન્ટ કંપની, અમદાવાદની બાળકોની હોસ્પિટલ, વડોદરામાં બે કાર સળગી જ્યારે સુરતમાં પણ સીએનજી કાર ખાખ થઇ. આમ, કુલ ચાર ઘટનાઓ સામે આવી છે.

દમણઃ ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ
દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ લાગી છે. ક્રિએટિવ ગારમેન્ટ કંપનીમાં આગ લાગતાં કંપનીના કામદારો પણ દોડીને બહાર આવી ગયા હતા. જેમાં ગારમેન્ટ કંપનીમાં સંગ્રહ કરાયેલા કાચા માલમાં આગ લાગી હતી. જેના કારણે આગ બેકાબૂ થતાં બાજુમાં આવેલી રિટા પ્લાસ્ટિક નામની પ્લાસ્ટિકના કેરેટ બનાવતી કંપનીમાં પણ આગ પ્રસરી હતી. જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ દમણ, વાપી, સરીગામ અને સેલવાસના ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

અમદાવાદ બાળકોની હોસ્પિટલમાં આગ
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી બાળકોની હોસ્પિટલમાં આગ લાગી છે. દેવ બિલ્ડિંગમાં એપલ બાળકોની હોસ્પિટલમાં આવેલી છે. જેમાં ભીષણ આગ લાગી હતી. જોકે આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે હોસ્પિટલના ઉપરના માળે કેન્ટીન આવેલી છે. જેમાં આગ લાગી હતી. કેન્ટીનમાં 2 ગેસના સિલિન્ડર પણ બ્લાસ્ટ થયા છે. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

વડોદરા: બે કારમાં વચ્ચે ટક્કર થતા લાગી આગ, બન્ને ગાડીઓ સળગીને ખાખ
વડોદરા શહેરમાં હેવમોર સર્કલ પાસે કારમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રસ્તા પર પાર્ક કરેલી કારને બીજી કારે ટક્કર મારતા આગ લાગી હતી. અકસ્માત થતા બે ગાડીઓમાં આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જનહાની થઈ નથી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ પોલીસે આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરતઃ સીએનજી કારમાં લાગી આગ
સુરતમાં સરદાર ફ્લાય ઓવર બ્રિજ પાસે ટાટા કંપનીની એક કારમાં અચાનક આગ લાગી હતી. સીએનજી કાર ફ્લાય ઓવર પરથી પસાર થઇ રહી હતી તે સમયે કારમાં આગ લાગી હતી. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here