અમદાવાદ: ખાડિયા, ગાંધીરોડ, કાલુપુર, રિલીફ રોડ સહિતના વિસ્તારમાં વેપારી પાસેથી હપ્તો ઉઘરાવતા ખંડણીખોર પ્રદીપ ડોનના હત્યારા જિજ્ઞેશ સોનીએ એક બિલ્ડર પાસે 75 લાખની ખંડણી માંગી છે. જિજ્ઞેશ સોની આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે, પરંતુ તાજેતરમાં જ તે પેરોલ ઉપર બહાર આવ્યો હતો. બિલ્ડિરે આ અંગે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાબરમતીના સામર્થ્ય ફલેટમાં રહેતા ધર્મેશ શાહ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે. ધર્મેશના ભાઇ ચેતન શાહની ખાડિયા બી.ડી.કોલેજ સાંકડી શેરીમાં 8 મહિનાથી કોમર્શિયલ બિલ્ડિંગ બનાવાઈ રહ્યું છે. 5 જાન્યુઆરીએ બપોરે 3.30 વાગ્યે ધર્મેશના માણસ ભરત મોદી અને પરેશ ઠાકર સાઈટ ઉપર હાજર હતા ત્યારે 4 માણસો આવ્યા હતા. જેમાં બે માણસોએ પોતાની ઓળખાણ હિરેન સોની અને જીગ્નેશ સોની તરીકે આપી હતી અને કહ્યું હતુ કે આ બાંધકામ બંધ કરી દેજો.ભરત મોદીએ 4.30 વાગ્યે ધર્મેશને ફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ તા.8 જાન્યુઆરીએ ધર્મેશ તેમના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો. જેમાં સામે વાળા માણસે પોતાની ઓળખાણ જીજ્ઞેશ સોની તરીકે આપી રૂ.75 લાખ નહીં આપે તો તારુ કામ ચાલુ કરવા દઈશ નહીં. હું તો આમ પણ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા ભોગવું જ છું. મને કોઇ ફરક પડવાનો નથી.