અમદાવાદીઓએ 2009માં BRTSમાં 5 માસ ફ્રી મુસાફરી કરી હતી હવે માર્ચથી મેટ્રોમાં પણ ફ્રી મુસાફરી

0
24

અમદાવાદ: શહેરમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાની કવાયત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે એપેરલ પાર્કથી અમરાઈવાડી સુધી લગભગ 2 કિલોમીટરના રૂટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ યોજાયું હતું. શુક્રવારથી વસ્ત્રાલ ગામ સુધી ટ્રાયલ શરૂ કરાશે. વધુમાં માર્ચમાં ટ્રેન લોકો માટે ખુલ્લી મુકવામાં આવે ત્યારે શરૂઆતના તબક્કે પેસેન્જરોને ફ્રી મુસાફરીનો લાભ મળે તેવી શક્યતા છે.

1 જાન્યુઆરીએ શહેરમાં પહેલી મેટ્રો ટ્રેન આવ્યા બાદ દક્ષિણ કોરિયાની કંપનીના અધિકારીઓની દેખરેખમાં ટ્રેનનું ટ્રાયલ શરૂ કરાયું છે. જેમાં એપેરલ પાર્ક ડેપોમાં ટ્રેન તૈયાર કર્યા બાદ બુધવારે એપેરલ પાર્કથી અમરાઈવાડી સુધી ટ્રાયલ યોજાયું હતું. જે સફળ રહેતા ગુરુવારે ફરી મિડિયા સમક્ષ ટ્રાયલ યોજાયું હતું. ડ્રાઈવર વગરની આ ટ્રેનમાં આગળ અને પાછલ બન્ને તરફ એન્જિન હોવાથી બન્ને દિશામાં તેને દોડાવી શકાશે.

તમામ મેટ્રો સ્ટેશનના બન્ને છેડે 8 ઓટોમેટિક ફેર કલેક્શન (એએફસી) ગેટ લગાવાશે. ગેટના સેન્સર પોઈન્ટ પર પેસેન્જર ટિકિટ બતાવે ત્યારે જ તે બહાર નીકળી શકશે. પેસેન્જરોની સુરક્ષા માટે 2000 પેસેન્જરની ક્ષમતા ધરાવતા સ્ટેશન પર પ્લેટફોર્મ સ્ક્રીન ડોર (પીએસડી) લગાવાશે. સ્ટેશનના બન્ને છેડે 3-3 ટિકિટ બારી અને 2-2 ટિકિટ વેન્ડિંગ મશીન હશે.

મેટ્રોમાં મુસાફરી દરમિયાન ભૂલથી કે જાણી જોઈને કોઈ પેસેન્જર વસ્ત્રાલ ગામથી  અમરાઈવાડીની ટિકિટ લઈ એપેરલ પાર્ક સુધી મુસાફરી કરશે તો તે એપેરલ પાર્ક સ્ટેશને પ્લેટફોર્મથી બહાર નહીં નીકળી શકે. આ પેસેન્જરને ફરીથી અમરાઈવાડીથી એપેરલ પાર્ક સુધીની બીજી ટિકિટ લેવી પડશે ત્યારબાદ જ તે પ્લેટફોર્મથી બહાર નીકળી શકશે. પેસેન્જરોને જનમિત્ર કાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્ડ બીઆરટીએસ, એએમટીએસ પણ ચાલી શકશે. મોબાઈલમાં જેમ રિચાર્જ થાય છે તેમ જનમિત્ર કાર્ડમાં બેલેન્સ કરાવી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here