- Advertisement -
અમદાવાદ: કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ માધવપ્રિયદાસ ડાંગરવાની પરિણીતાને લઈને 1 માર્ચે ફરાર થઈ ગયો છે. જેને પગલે મંદિરના મેનેજમેન્ટે લાગતા વળગતાઓને નાણાંકીય કે અન્ય પ્રકારના વહેવાર ન કરવા ચેતવણી આપી છે. સાથે જ ત્યાગી તરીકેનું નામ કમી કરી દીધું છે.
મંદિરના મહંત સ્વામીના નામે એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે ટાંકિયાના સ્વામી માધવપ્રિયદાસ પહેલાનું નામ મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા, વતન માણસા. તે 1 માર્ચે બપોરના 12 વાગ્યે ડાંગરવા ગામની પરિણીત મહિલાને લઈને મંદિર છોડીને ભાગી ગયા છે. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગી પત્રકમાંથી ત્યાગી તરીકેનું નામ કમી કરી દેવામાં આવ્યું છે.
માધવપ્રિયના ગુરૂ સિધ્ધેશ્વરદાસે તેની વર્તણૂંક બાબતે અવારનવાર ચેતવણી આપી હતી. આમછતાં કોઈપણ પ્રકારનો સુધાર આવ્યો ન હતો. ડાંગરવાના હરિભક્તોએ પરિણીતાને ભગાડી જવા બાબતે જાણ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
મંદિરે ચેતવણી પણ આપી છે કે તેની સાથે સંસ્થાકીય કોઈપણ પ્રકારની લેવડદેવડ કરવી નહીં. એમ કરવામાં આવશે તો તેમાં સંસ્થાની કોઈ જવાબદારી રહેશે નહીં.