અમદાવાદ : કોંગ્રેસના ધારાસભ્યો તોડવાનું ભાજપનું ઓપરેશન MLA નિષ્ફળ, એક જ ધારાસભ્ય વધ્યો

0
41

અમદાવાદઃ દોઢ વર્ષ પહેલા યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો સાથે પાતળી બહુમતી મળી હતી. જે બહુમતીમાં વધારો કરવા માટે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો તોડવા માટે રાજકીય ખેલ શરૂ કર્યો હતો. જેમાં છેલ્લા એક વર્ષમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 99થી 103 સુધી પહોંચી ગઈ હતી. પરંતુ આજે ભાજપના વધુ ત્રણ ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપનું સંખ્યાબળ ફરી 100 પર પહોંચ્યું છે. જેથી દોઢ વર્ષમાં ભાજપને કોંગ્રેસના પાંચ ધારાસભ્યો તોડવાના ખેલનો ખાસ કોઈ લાભ થયો નહીં અને ભાજપ હતો ત્યાંને ત્યાં 100 પર આવી ગયો છે.

બહુમતીના સંખ્યાબળ કરતા માત્ર 8 ધારાસભ્યો વધુ
ગુજરાત વિધાનસભાના કુલ સંખ્યાબળ 182માંથી 92 ધારાસભ્યોએ સરકાર રચવાનો દાવો થઈ શકે છે. ત્યારે ભાજપ પાસે હાલ સરકાર રચવાના દાવાના સંખ્યાબળ કરતા માત્ર 8 ધારાસભ્યો વધુ છે. જુલાઈમાં વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે ત્યારે સત્ર દરમિયાન વિવિધ વિધેયકો અને બજેટ પસાર કરવામાં ભાજપને બહુમતી પુરવાર કરવામાં ભારે કશ્મકશ કરવી પડે તેમ છે. રૂપાણી સરકાર સામે ભાજપમાં કેટલાક ધારાસભ્યો નારાજ હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે આ બજેટ સત્રમાં રૂપાણી સરકાર કસોટી થશે.

2017ની વિધાનસભા ચૂંટણીના એક વર્ષમાં જ બે પેટાચૂંટણી 
ડિસેમ્બર 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-99, કોંગ્રેસ-77, એનસીપી-1, બીટીપી-2 અને અપક્ષને 3 બેઠકો મળી હતી. ત્યાર બાદ જુલાઈ 2018માં કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા માત્ર એક વર્ષના ગાળામાં જ ડિસેમ્બર 2018માં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. જસદણ પેટાચૂંટણીના બે મહિના બાદ ફેબ્રુઆરીમાં ઉંઝામાંથી આશા પટેલે રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ માર્ચમાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા અને જામનગર(ગ્રામ્ય)ના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામાં આપી દેતા માત્ર એક મહિનાના ગાળામાં 4 વિધાનસભા બેઠકો ખાલી પડી હતી. જેની પેટાચૂંટણીમાં ભાજપનો તમામ 4 બેઠકો પર વિજય થયો હતો.

એક અપક્ષ અને ત્રણ ભાજપી ધારાસભ્યોના રાજીનામા
આજે લોકસભામાં ચૂંટાયેલા ચાર સાંસદોએ ધારાસભ્યપદેથી રાજીનામાં આપ્યા છે. જેમાં પરબત પટેલ(થરાદ), ભરતસિંહ ડાભી(ખેરાલુ), હસમુખ પટેલ(અમરાઈ વાડી) અને રતનસિંહ રાઠોડ(લુણાવાડા)નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, લુણાવાડા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટાયેલા રતનસિંહ રાઠોડ ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતા અને લોકસભાની ચૂંટણી લડીને જીત્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here