અમદાવાદ : પતિને પરસ્ત્રી સાથેના સંબંધ અંગે પત્નીએ પૂછ્યું તો પતિએ કહ્યું, ‘મેં તને માત્ર શરીરસુખ માટે જ રાખી છે’

0
38

અમદાવાદ: પાલડીમાં રહેતી એક પરિણીતાને લગ્નના થોડા વર્ષો બાદ પતિના વર્તનમાં ફેરફાર જણાતા તેણે પતિને આ બાબતે પૂછતા પતિએ તેને કહ્યું હતું કે મેં તને માત્ર શરીરસુખ માટે જ રાખી છે. પતિના ત્રાસ અને મારઝૂડથી કંટાળેલી મહિલાએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


પાલડીની મહિલાના લગ્નની શરૂઆતમાં બધું બરોબર ચાલતું હતું. જોકે ત્યારબાદ તેના સાસુએ દહેજ બાબતે ટોણાં મારવાનું શરૂ કર્યું હતું. આ બાબતે પતિને વાત કરતા તે પણ સાસુની વાતોમાં આવી પત્નીને મહેણા મારતો હતો. જોકે મહિલાએ આ બાબતે કોઈને વાત કરી નહતી. દરમિયાન મહિલાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ બાદ પણ પતિના સ્વભાવમાં કોઈ ફરક પડ્યો નહીં અને પત્નીને હેરાન કરવાનું ચાલુ રહ્યું હતું.
આ બાબતે મહિલાએ તેના માતાપિતાને વાત કરતા તેમણે પણ સહન કરવાનું કહ્યું હતું. આથી પુત્ર હોઈ સંસાર ન બગડે તે માટે ત્રાસ સહન કરતી હતી. પરંતુ ત્રણેક વર્ષથી મહિલાનો પતિ વહેલી સવારે નોકરી જતો રહેતા હતો અને મોડીરાતે પાછો આવતો હતો. આ મામલે મહિલા પતિને કંઈ પૂછવા જાય તો તેને અપશબ્દો બોલી ઘણીવાર મારઝૂડ પણ કરતો હતો.
દરમિયાન મહિલાના ધ્યાને આવ્યું હતું કે તેનો પતિ કોઈ સ્ત્રી સાથે ફોનથી તથા મેસેજથી વાતચીત કરતો હતો. તેણે પતિને શાંતિથી પૂછતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને મારઝૂડ કરી કહ્યું હતું કે મે તને માત્ર શરીર સંબંધ માટે જ રાખેલી છે. દરમિયાન મહિલાને તેના માતાપિતાએ ચાર લાખ રૂપિયા ભેટમાં આપ્યા હતા. જે વાતની જાણ થતાં પતિએ આ પૈસા લેવા માટે તેની સાથે રોજ ગાળાગાળી કરી મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. જેથી કંટાળીને મહિલાએ આ પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધા હતા જેના કારણે પતિએ માર મારતા મહિલા તેના પુત્રને લઈને પિયરમાં આવી ગઈ હતી.
આ અંગે મહિલાએ પાલડી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પતિ સામે દહેજ પ્રતિબંધક ધારાની કલમ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલે છે
પોલીસ ફરિયાદ મુજબ મહિલા તેના પિયરમાં રહેવા ગઈ ત્યારથી તેના સાસરિયાં કે પતિ તેને લેવા માટે આવ્યા નથી. દરમિયાન મહિલાએ ફેમિલી કોર્ટમાં પતિથી છૂટાછેડા લેવા માટે અરજી કરી છે. આ સિવાય ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબની પણ ફરિયાદ કોર્ટમાં કરી છે, જે હાલમાં ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here