Sunday, September 19, 2021
Homeઅમદાવાદ પૂર્વમાંથી હિંમતસિંહ પટેલે ચૂંટણી લડવા અનિચ્છા વ્યક્ત કરી
Array

અમદાવાદ પૂર્વમાંથી હિંમતસિંહ પટેલે ચૂંટણી લડવા અનિચ્છા વ્યક્ત કરી

ગુજરાતની આર્થિક રાજધાની તેમજ રાજકીય પ્રવૃત્તિનું એપી સેન્ટર ગણાતા અમદાવાદની લોકસભામાં બે બેઠક છે. જે પૈકી અમદાવાદ પશ્ચિમની બેઠક પરથી કોંગ્રેસ દ્વારા રાજુ પરમારનાં નામની જાહેરાત થઇ ચૂકી છે. જોકે અમદાવાદ પૂર્વના ઉમેદવારની પસંદગી કરાઇ નથી.

દરમ્યાન અમદાવાદ પૂર્વની બેઠક પરથી શહેરના પૂર્વ મેયર અને છેલ્લી ર૦૧૪ની ચૂંટણીમાં ભાજપના પરેશ રાવલ સામે ૩.૨૬ લાખ કરતા વધુ મતથી ચૂંટણીજંગ હારનાર કોંગ્રેસના હિંમતસિંહ પટેલનું નામ ફરી ઉમેદવાર તરીકે ચર્ચાઇ રહ્યું છે. જોકે તેમણે પુનઃ ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરતાં આ બેઠકના મામલે કોકડું વધુ ગૂંચવાયું છે.

કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગત તા.૮ માર્ચે ગુજરાતની લોકસભાની ર૬ બેઠક પેકી ચાર બેઠકના ઉમેદવારની જાહેરાત કરાયા બાદ ગઇ કાલે વધુ બે બેઠકના ઉમેદવારનાં નામની જાહેરાત કરાઇ હતી. કચ્છમાંથી નરેશ મહેશ્વરી અને નવસારીમાંથી ધર્મેશ પટેલને કોંગ્રેસ હાઇકમાન્ડે પસંદ કર્યા છે. આ બંને નામ અગાઉ ચર્ચાયાં હતાં અને છેવટે તેમના નામ પર સ્વીકૃતિની મહોર મરાઇ હતી.

જ્યારે અમદાવાદ પૂર્વના ઉમેદવારોમાં હિંમતસિંહ પટેલ પુનઃ ચર્ચામાં આવ્યા છે. આ અંગે તેમનો સંપર્ક કરતાં તેઓ કહે છે, ‘અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર માટે પક્ષના સર્વેમાં મારું નામ આગળ આવ્યું હોઇ શકે છે. પરંતુ મારે ફરીથી ચૂંટણી લડવી નથી. આ બાબતથી મેં પક્ષ હાઇકમાન્ડને માહિતગાર કર્યા હોઇ અન્ય ઉમેદવારને પસંદ કરવાની વિનંતી પણ કરી છે.

જો પક્ષને પાટીદાર સમાજમાંથી ઉમેદવાર પસંદ કરવા હોય તો હિમાંશુ પટેલ અને બિન પાટીદાર સમાજમાંથી ઉમેદવાર પસંદ કરવા હોય તો રોહન ગુપ્તાને પસંદ કરવાની પક્ષ હાઇકમાન્ડ સમક્ષ મારી લાગણી દર્શાવી છે.’

દરમ્યાન આજે સાંજે દિલ્હીમાં ગુજરાતનાં નામોની ચર્ચા કરવા માટે સેન્ટ્રલ ઇલેકશન કમિટી (સીઇસી)ની બેઠક યોજાશે. આવતી કાલે પણ સીઇસીની બેઠકમાં ગુજરાતના ઉમેદવારો નક્કી કરવા બેઠક મળશે. એટલે આજે મોડી સાંજ સુધીમાં ગુજરાતમાંથી અત્યાર સુધીમાં કુલ છ બેઠકના ઉમેદવારની જાહેરાત કરનાર દિલ્હી હાઇકમાન્ડ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની બેઠકના ઉમેદવારનાં નામ જાહેર કરે તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રની બેઠકનો નિર્ણય આવતી કાલે લેવાશે તેવી ચર્ચા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments