અમદાવાદ : મહિલાને ફટકારનારા ભાજપના MLA થાવાણીને વાઘાણીની શો કોઝ નોટિસ, બરતરફ કરશે?

0
16

અમદાવાદઃ 2 જૂનના રોજ ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી નીતુ તેજવાણી નામની મહિલાને જાહેરમાં ઢોર માર માર્યા બાદ આજે સમગ્ર રાજ્યમાં આ ઘટનાની આકરી ટીકાઓ થઈ રહી છે. પરંતુ વાત વાતમાં આક્રમક મૂડમાં આવી જતા ભાજપના આગેવાનો આ મામલે ચૂપ થઈ ગયા છે. તેમજ થાવાણીને બરતરફ કરવાને બદલે માત્ર ઠપકો આપી માફી માગવા કહ્યું હતું. માત્ર એટલું જ નહીં, ઘટનાના 24 કલાક બાદ ભાજપ પ્રદેશ પ્રમુખે બલરામને કારણદર્શક નોટિસ ફટકારી કાર્યવાહી કરવાનો દેખાડો કર્યો છે. તેમજ આ નોટિસમાં ત્રણ દિવસમાં ખુલાસો આપવા કહ્યું છે.

શિસ્તભંગનાં પગલાં કેમ ન લેવાં? તે અંગે ખુલાસો કરો

પ્રદેશ ભાજપે આ અંગે જણાવ્યું કે, લોકપ્રતિનિધિઓએ પ્રજા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. આ પ્રકારનો અશોભનીય વ્યવહાર યોગ્ય નથી અને એટલે જ આ ઘટનાને ગંભીરતાથી લઈને પ્રદેશ પ્રમુખશ્રી જીતુ વાઘાણીએ ધારાસભ્ય બલરામ થાવાણીને સમગ્ર ઘટના અંગે શિસ્તભંગનાં પગલાં કેમ ન લેવાં? તે અંગેનો ૩ દિવસમાં ખુલાસો કરવા માટે શોકોઝ નોટિસ મોકલી છે.

ભાજપ માત્ર નોટિસ આપીને મામલો રફેદફે કરવામાં માહેર
કારણ દર્શક નોટિસને લઈ કરેલા ખુલાસાના આધારે ભાજપની શિસ્ત સમિતિ સમક્ષ જે તે આગેવાનની ભૂલ અથવા ગેરશિસ્તનો આખરી નિર્ણય લેવામાં આવે છે. પરંતુ મોટા ભાગની ઘટનાઓમાં ભાજપ માત્ર નોટિસ આપીને મામલો રફેદફે કરી દે છે. બલરામ આ મામલે પક્ષ સમક્ષ ખુલાસો કર્યા બાદ ભાજપ તેની સામે શું પગલા લેશે?

રાજ્યસભા ચૂંટણીને કારણે ભાજપ બરતરફ કરતા ડરે છે?
ગુજરાતમાં રૂપાણી સરકારમાં ભાજપનું સંખ્યાબળ 103 છે. આ સંજોગોમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડતા ભાજપ આ બન્ને બેઠકોની ચૂંટણીનું ગણિત ગણી રહ્યો છે. આ ચૂંટણીમાં જો ભાજપે બન્ને બેઠકો પર વિજય મેળવવો હોય તો કોંગ્રેસમાંથી 19 ધારાસભ્યો લાવવા પડે છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે જો ભાજપ પોતાના જ ધારાસભ્યને નૈતિકતાના ધોરણે બરતરફ કરે તો ભાજપનું સંખ્યાબળ તૂટી શકે છે. આમ ભાજપ તેમના ધારાસભ્ય સામે જ પગલા પડતાં ડરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here