અમદાવાદ મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની વ્યવસ્થા જ નથી, બ્રિજની નીચે જ આડેધડ પાર્કિંગ

0
27

અમદાવાદ: 4 માર્ચના રોજ પીએમ મોદીએ મેટ્રો ટ્રેનનુ લોકાર્પણ કર્યું તે ગુજરાત માટે એક ગૌરવની વાત છે. પણ જ્યારે સુવિધાની વાત આવે ત્યારે વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે. તમને જણાવી દઈએ કે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના મેટ્રો સ્ટેશન પર વાહન પાર્કિંગની કોઈ વ્યવસ્થા જ નથી. લોકો બ્રિજની નીચે અથવા તો જે માર્ગ બંધ છે તે જગ્યાએ જ આડેધડ વાહનો પાર્ક કરી રહ્યાં છે. ત્યારે મોટો પ્રશ્ન છે કે મેટ્રોમાં મુસાફરી કરતા લોકો પોતાના વાહનો ક્યાં પાર્ક કરશે?

પાણીની પણ સુવિધા નથી
મળતી માહિતી પ્રમાણે મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની સાથે-સાથે પાણીની પણ કોઈ વ્યવસ્થા જોવા મળી નથી. જો કે સુત્રોએ જણાવ્યાં પ્રમાણે મેટ્રો પ્રોજેક્ટમાં હાલ કેટલાક ભાગનું કામ બાકી છે.
BRTSની જેમ મેટ્રો પણ ફેલ જશે?
અમદાવાદ બીઆરટીએસને લગભગ 10 વર્ષ થઈ ગયા છે. પણ આજ સુધી તેના બસ સ્ટેન્ડની આસપાસ વાહનોના પાર્કિંગની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમજ બીઆરટીએસનું મેનેજમેન્ટ પણ વિખરાયેલું છે. બીઆરટીએસના કોરિડોરમાં એએમટીએસની બસો પણ ચાલે છે. મોટાભાગની બીઆરટીએસની બસો પણ ખાલીખમ જોવા મળે છે. આ બધા કારણોથી  BRTS ફેલ ગઈ છે. આવી જ સમસ્યાઓ મેટ્રોમાં ઉભી થશે તો બીઆરટીએસની જેમ મેટ્રોપણ ફેલ જશે.
તો શું હવે બીઆરટીએસ બંધ થશે?
67 લાખની વસતી અને 50 કિમીમાં ફેલાયેલા અમદાવાદ શહેરમાં હવે ધીમે-ધીમે ગીચતા વધી રહી છે. મુસાફરીની વાત કરીએ તો શહેરના કોઈપણ સ્થળ પરથી અન્ય સ્થળે જવું હોય તો 45 મિનિટ જેટલો સમય લાગે છે. હાલ શહેરમાં રિક્ષા, કેબ, એએમટીએસ, બીઆરટીએસ ચાલી રહી છે. તો બીજી તરફ છેલ્લા 5 વર્ષમાં વાહનોની સંખ્યા વધી રહી છે. જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. હાલ બીઆરટીએસ મોટાભાગે ખોટ ખાઈ રહ્યું છે તો શું મેટ્રો શરૂ થયા બાદ તે બંધ થશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here