અમદાવાદમાં ફાર્મા કંપની દ્વારા વ્યક્તિ પર પરિક્ષણનાં કારણે 47 વર્ષીય સુરેશ રાઠોડ નામનાં આધેડની મોત થઇ હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે, ડિપ્રેશનની દવાનું પરિક્ષણ કરાયાનાં સાત દિવસ બાદ અચાનક આધેડનું મોત થયુ હતુ, ત્યારે પરિવારજનોને પણ દવાનાં પરિક્ષણ કરાયા હોવાની જાણ આધેડના મૃત્યુનાં એક મહિનાં પછી ખબર પડી હતી.
અમદાવાદમાં આવેલી લામ્બડા નામની ફાર્મા કંપની દ્વારા બાપુનગરનાં સુરેશ રાઠોડ પર ડિપ્રેશનની દવાનું પરિક્ષણ કરાયુ હતુ, પરિક્ષણ પૂર્ણ થયા બાદ આ શખ્શનું એક સપ્તાહ બાદ અચાનક મૃત્યુ થયુ, પરિવારજનોને જાણ જ ન હતી કે સુરેશ રાઠોડે લામ્બડા નામની ફાર્મા કંપનીમાં શરીર પર દવાનું પરિક્ષણ કરાયુ હતુ. તે બાદ ઘરમાંથી આ બાબતનાં કાગળો મળતા સુરેશની પત્નિ મધુ રાઠોડે વકિલ મારફતે લામ્બડા ફાર્મા કંપનીને લીગલ નોટીસ મોકલાવી છે.
ફાર્મા કંપનીઓમાં માનવ પરિક્ષણ એ અત્યંત મહત્વની હોય છે, કોઇ પણ દવા, સીરપ કે ઇન્જેક્શનને બજારમાં વેચતા પહેલાં તે દવાને મનુષ્ય શરીર પર પરિક્ષણ કરાય છે, જેમાં દવાની આડઅસર ન આવે તે તમામ બાબતોને આવરી લેવાય છે, આ પરિક્ષણ માટેના કાયદાઓ જુદા જુદા બન્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય માપદંડો તેમજ નિયમોને અનુસરવુ ફરજીયાત હોય છે, પણ આ પ્રકારનાં માનવ પરિક્ષણમાં કોઇ પણ વ્યક્તિ જેનાં પર પરિક્ષણ કરાય છે તેને શારિરીક કોઇ બિમારી ન થાય તેમજ કોઇ પણ પ્રકારની દવાની આડઅસર રહી ન જાય તે જોવાની જવાબદારી ફાર્મા કંપનીની હોય છે. સુરેશ રાઠોડનાં મોત મામલે ફાર્મા કંપની હાલમા કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા માટે તૈયાર નથી અને ઉપરથી પરીવા જનો ને કહેવામાં આવ્યુ છે કે, સુરેશભાઈના મ્રુત્યુ પાછળ અમારી કોઈ જવાબદારી નથી. ત્યારે આ મામલે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરાય છે તે પણ જોવુ રહ્યું.
ફાર્મા કંપનીઓ ગરીબ, મજૂર અને બેરોજગાર લોકોને રૂપિયાની લાલચ આપીને મેડિકલ ટેસ્ટ કરાવતી હોય છે અને ટેસ્ટ પહેલા એક ફોર્મ પણ ભરાવતી હોય છે, તેમજ એજન્ટો પણ રોકતી હોય છે. ઉલ્લેખનીય છે કે, લામ્ડા રીસર્ચ સેન્ટરમાં એક દીવસના 300થી વધુ આવા ગરીબ લોકો જાનનુ જોખમ મુકી પરીક્ષણ કરાવે છે. ત્યારે સવાલએ ઉભો થાય છે કે, અમદાવાદ અને ખાસ કરીને દેશમાં આવા કેટલા રીસર્ચ સેન્ટ ચાલતા હશે. આવા ગરીબલોકો ચંદ રુપીયા માટે તેમના જીવ જોખમમાં મુકી દે છે અને એજન્ટો પણ તેમના ચંદ રુપીયા કમાવવાની લાલચે આવા ગરીબ લોકને ટાર્ગેટ કરીને તેમના જીવ જોખમમાં મુકાવે છે. સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સુરેશ રાઠોડની મોત પાછળ પરિવારજનો ફાર્મા કંપનીને જવાબદાર ગણીને આવનાર દિવસોમાં પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી રહ્યાં છે.