અમદાવાદ : શિક્ષણમંત્રી શાળા સંચાલકોની શરણે, ભલે ગરમી વધે પણ વેકેશન તો નહીં જ લંબાય

0
12

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં અસહ્ય ગરમીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે હજુ વધુ ગરમી પડવાની આગાહી વચ્ચે ગુજરાતભરની શાળાઓમાં વેકેશન લંબાવવા માટે વાલી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશન લંબાવવા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેને લઈ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે શાળા સંચાલકોની શરણે પડીને વેકેશન નહીં લંબાવવાનો સરકારનો નિર્ણય જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 10 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.

વેકેશન તો નહીં લંબાવે પણ ઉનાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ કરશે
થોડાક સમય પહેલા શિક્ષણમંત્રીને ઉનાળુ વેકેશન 17 જૂન સુધી લંબાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે હાલ ઉનાળાની ધોમધખતી ગરમી છે તો બીજી બાજુ તક્ષશિલા અગ્નિકાંડને લઈને કેટલીક શાળાઓમાં ફાયર સેફટીને લઈ ભાંગતોડ કરાઇ રહી છે, પરિણામે શિક્ષણ કાર્યમાં વિઘ્ન ન સર્જાઇ તે માટે વેકેશન લંબાવવા માંગ કરી હતી. પરંતુ હાલમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉનાળુ વેકેશન લંબાવવામાં આવશે નહીં તેમજ 13 જૂન થી 15 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે.

વરસતા અગન ગોળાઓ વચ્ચે બાળકોએ શાળાએ જવું પડશે

આકાશમાંથી અગન ગોળાઓ વરસી રહ્યા હોવાથી બાળકો સનસ્ટ્રોકનો ભોગ બને નહિં તે માટે ઉનાળું વેકેશન લંબાવવામાં આવે તેવી માંગણી વાલીઓમાં ઉઠી છે. તો બીજી તરફ વેકેશન લંબાવવાનો શાળા સંચાલક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ, આગામી દસેક દિવસ સુધી આકરી ગરમી પડવાની છે.

કાળઝાળ ગરમીની બાળકોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર પડવાની શક્યતા

ઉનાળું વેકેશન પૂર્ણ થવા આડે એક સપ્તાહનો સમય પણ બાકી નથી, ત્યારે દેહ દઝાડતી ગરમી વચ્ચે જો આગામી દિવસોમાં શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે તો બાળકો મૂર્છિત થવાથી લઈ ડીહાઈડ્રેશનનો ભોગ પણ બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here