અમદાવાદ: કણભા રિંગ રોડ ઉપર બે દિવસ અગાઉ બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં વાહનની અડફેટે આવેલા બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતુ. મહત્વની વાત તો એ છે કે આ યુવાને હેલ્મેટ પહેર્યું હતું છતાં તેનું માથુ છુંદાઈ ગયું અને માસના લોચા બહાર આવી ગયા હતા. જેથી અકસ્માત કરી ભાગી ગયેલુ વાહન ટ્રક અથવા તો ટ્રેલર હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
મેઘાણીનગરમાં ભાર્ગવ રોડ અમરાજીનગરમાં રહેતા મનોજસિંગ શિકરવાર લેથનું કામ કરે છે. મનોજસિંગે કણભામાં નવું કામ શરૂ કર્યું હતું અને ગુરુવારે પહેલો જ દિવસ હોવાથી સવારે બાઈક લઇને નીકળ્યા હતા. 8.30 વાગ્યે તેઓ કણભા પોલીસ સ્ટેશન પાસેનો બ્રિજ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા વાહનચાલકે મનોજસિંગ શિકરવારના બાઈકને ટક્કર મારી પાડી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, મનોજસિંગના બાઈકને ટકકર મારનાર વાહન એટલી સ્પીડમાં હતું કે, મનોજભાઇએ હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેમનું માથું છુંદાઈ ગયું હતું અને માસના લોચા બહાર નીકળી ગયા હતા. આ અંગે કણભા પોલીસે નાસી છૂટલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ હિટ એન્ટ રનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.