અમદાવાદ : 60 વર્ષમાં રૂ.2500 કરોડની જમીન આપી પણ તમે કોમર્શિયલ ઉપયોગ કર્યો, ઢોર રસ્તે રઝળતાં મૂક્યાં

0
41

અમદાવાદ: ઓઢવમાં પશુપાલકો સાથે થતાં અન્યાય મામલે માલધારી સમાજે રેલી કાઢી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. જો કે, મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ સમાજના અગ્રણીઓને રોકડું પરખાવી દીધું હતું કે, રોડ પર રઝળતા ઢોર ચલાવી લેવાશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારે તેમને 60 વર્ષમાં અંદાજે રૂ.2500 કરોડની કિંમતની 7.23 લાખ ચોરસ મીટર જમીન ફાળવી છે પરંતુ આ જમીનોનો અત્યારે કોમર્શિયલ ઉપયોગ થાય છે અને ઢોર રોડ પર રઝળતાં મૂકી દેવામાં આવે છે.

કમિશનરે કહ્યું હતું કે, અંદાજે 2500 કરોડની કિંંમતની જમીન ઢોરવાડા માટે આપી હતી. તેનો કોમર્શિયલ વહીવટ થઇ ગયો છે. જો તેમ ન થયું હોત તો ઢોર આજે રોડ પર રઝળતા ન હોત. માલધારી આગેવાનોને તેમણે આ જમીનોનો સરવે કરવા સૂચવ્યું હતું. મ્યુનિ. પણ આ જમીનોનો સરવે હાથ ધરશે.

તમામ ઢોરની નોંધણી 60 દિવસમાં કરવા તાકીદ

મ્યુનિ.ની ઝુંબેશથી અત્યાર સુધીમાં 23 હજાર ઢોરનું રજિસ્ટ્રેશન થયું છે. જો કે બાકીના ઢોરનું રજિસ્ટ્રેશન 60 દિવસમાં પૂરું કરવા કમિશનરે માલધારી આગેવાનોને સહકાર આપવા જણાવ્યું છે. તેમણે કહ્યું, એનિમલ હોસ્ટેલ અંગે પણ વિચારીશું પણ તે માટે તમામ ઢોરનું રજિસ્ટ્રેશન આવશ્યક છે.

ઢોર પકડવા વાર્ષિક 10 થી 15 કરોડ ખર્ચ

ઢોર પકડવા માટે મ્યુનિ. દ્વારા ચાલતા વિભાગ પાછળ વર્ષે 10 થી 15 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. કમિશનરે ખાતરી આપી કે, જો ઢોર રસ્તા પર રખડતા બંધ થાય તો આ રકમનો ઉપયોગ માલધારી સમાજના ઉત્કર્ષ માટે થઇ શકે.

31 મેએ માલધારીઓના પ્રતીક ઉપવાસ

માલધારી સમાજે આવેદનપત્રમાં જણાવ્યું કે, અમદાવાદની હદ વિસ્તારમાં આવી ત્યારે અબોલ પશુઓ બાબતે કેમ વિચારવામાં આવ્યું નહીં ? શહેરની ગૌચરની જમીનો પણ વેચી નાખી. તેમણે માલધારીઓ સામેની એફઆઈઆર રદ કરવા માંગ કરી હતી. 31મીએ રાજ્યભરમાં પ્રતીક ઉપવાસ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here