અમદાવાદ : NCP હાઈકમાન્ડને અંધારામાં રાખી સમાધાન,

0
31

અમદાવાદઃ નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ એનસીપીની કાર્યકર મહિલાને ફટકારતો વીડિયોનો વિવાદ વકરતાં ભાજપના હાઈકમાન્ડે ગુજરાત ભાજપને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં કોઈપણ ભોગે ધારાસભ્ય પર દબાણ લાવી મામલો થાળે પાડવાની સૂચના આપી હતી. વીડિયોથી ભાજપના ટોચના નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. જો સમાધાન ન થયું હોત તો થાવાણી સસ્પેન્ડ પણ થઈ શક્યા હોત. બીજી તરફ એનસીપીના રાષ્ટ્રીય નેતૃત્વને સમગ્ર પ્રકરણમાં સમાધાન થઈ ગયું ત્યાં સુધી કોઈ પ્રકારનીજાણ હતી જ નહીં.

એનસીપીનાં રાષ્ટ્રીય નેતા સુપ્રિયા સુળેને સમાધાન અંગે જાણ જ ન હતી
બલરામ થાવાણીએ એનસીપીની સ્થાનિક મહિલા નેતાને માર માર્યાનો વિડિયો રાષ્ટ્રીય સ્તરે વાઇરલ થતાં ભાજપ હાઇકમાન્ડ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયો હતો. આ અંગે ત્વરિત પગલાં લેવા માટે ભાજપના હાઇકમાન્ડ તરફથી ગુજરાત ભાજપને આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત ભાજપ પ્રમુખે ધારાસભ્ય થાવાણીને કારણદર્શક નોટિસ ફટકારી આકરાં પગલાં લેવાનો સંકેત આપ્યો હતો.

પક્ષના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મુદ્દાને વધુ ચગતો અટકાવવા તથા તેમાં સમાધાનકારી વલણ અપનાવીને તેને અહીં જ ઠંડો પડી જાય તેવું હાઇકમાન્ડે ગુજરાત એકમને જણાવી દીધું હતું. ત્યારબાદ થાવાણી પર આ કિસ્સામાં મહિલા સાથે ગમે તે ભોગે સમાધાન કરવા બાબતે દબાણ આવી ગયું છે. આ કિસ્સો સામે આવતાં જ બલરામ થાવાણીની રાજકીય કારકિર્દી પર પણ પ્રશ્નાર્થ ઊભો થઇ ગયો છે. એનસીપીના સભ્ય નીતુ તેજવાણીને ભાજપના એમએલએ માર માર્યાના વીડિયો બાદ એનસીપીના સુપ્રિયા સુળેએ ટ્વીટ કરી ઘટનાને વખોડી હતી. જોકે પક્ષની જાણ બહાર મહિલાએ સમાધાન કરતા પક્ષે આંતરિક તપાસ કરી સમાધાનનુ કારણ માગ્યું છે.

થાવાણી સમાધાન માટે એનસીપીના નેતાના પાસે દોડ્યા : 2 મહિના પહેલા ટીપી -96માં ગેરકાયદે બાંધકામ હટાવવાનું કામ ચાલુ હતુ. ત્યારે એનસીપીના નેતા નિકુલ તોમર ગરીબોના મકાનો તથા દુકાનો ન તોડવા થાવાણીની ઓફિસમાં 800 માણસો સાથે પહોંચ્યા હતા. જ્યાં તેમનો આક્ષેપ હતો કે કોર્પોરેટરોના ગેરકાયદે બાંધકામ હટાવાતા નથી. જેના કારણે બન્ને વચ્ચે અણબનાવ હતો. જે કારણોસર બન્ને એકબીજાને ત્યાં જવા તૈયાર નહોતા અંતે થાવાણી નિકુલના ઘરે ગયા હતા.

થાવાણીએ ખુલાસો તો કરવો જ પડશે
ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે આ ઘટના શરમજનક અને નિંદનીય છે. ભાજપ પક્ષ મહિલા સન્માનની વિચારધારા ધરાવે છે અને ધારાસભ્યનું આ કૃત્ય યોગ્ય નથી. બલરામ થાવાણી અને મહિલા વચ્ચે સમાધાન થયું હોવા છતાં પક્ષ ધારાસભ્ય પાસેથી ખુલાસાનો આગ્રહ રાખે છે અને તેમના તરફથી મળેલાં પ્રત્યુત્તર બાદ શિસ્તભંગના પગલાં અંગે વિચાર પણ કરવામાં આવશે. અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી. તેમણે પણ આ પ્રકરણમાં ધારાસભ્ય બલરામ થાવાણીનો ખુલાસો માગ્યો હતો. જો કે, એમ મનાય છે કે, ભાજપ હાઈકમાન્ડે વાત વણસતી અટકાવવા પ્રદેશ ભાજપને કોઈપણ સંજોગોમાં મામલો થાળે પાડવા ધારાસભ્ય થાવાણી પર દબાણ લાવવાની સૂચના આપી હતી.

પોલીસે સવારે કહ્યું, ફરિયાદ નોંધી છે, સમાધાન બાદ માત્ર અરજીની વાત કરી
ભાજપના ધારાસભ્ય થાવાણીનો વિવાદાસ્પદ વીડિયો બહાર આવ્યા પછી એનસીપીની મહિલા કાર્યકર મેઘાણીનગર પોલીસ મથકે ફરિયાદ કરવા ગઇ હતી. મહિલાનું કહેવું છે કે પતિ સાથે પોલીસ જઇ ફરિયાદ કરી હતી. પરંતુ સ્થાનિક પીઆઇ પી.જી. સરવૈયા કહે છે કે કોઇ ફરિયાદ કરાઇ નથી. માત્ર અરજી મળી છે. જ્યારે ડીસીપી નિરજ બડગુરજરે કહ્યું કે બન્ને પક્ષે ફરિયાદ રજૂ કરાઇ હતી. જોકે એ બાદ તેઓ પોતાના નિવેદનથી ફરી ગયા હતા અને જણાવ્યું હતું કે બહેન ફરિયાદ આપવા આવ્યા હતા. બન્ને સામ સામે ફરિયાદ લખીને બેઠા હતા પણ કોણ પહેલ કરે તેની રાહ જોતા હતા. પોલીસ આ મામલો દબાવવા માગતી હોય તેવું ચિત્ર ઉપસે છે. પોલીસ ફરિયાદ લઇ કાર્યવાહીને બદલે ધારાસભ્યને બચાવવા મેદાને પડી હોય તેમ લાગતું હતું.

સમાધાન થઈ ગયું છે, હવે બીજું કંઈ કહેવાનું નથી
મેં ફરિયાદ આપી હતી, પણ સવારે મને જાણવા મ‌ળ્યું કે નીતુ નામની કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી. એના થોડા સમય બાદ મને જાણવા મળ્યું કે ફરિયાદ થઇ છે. જોકે આ વિશે વાત નથી કરવી. અમારે સમાધાન થઇ ગયુ છે તેમણે માફી માંગી લીધી છે. તેમજ અમારી પાણીની જે સમસ્યા હતી તે સમસ્યાનુ સમાધાન કરવા માટે તૈયાર છે. આગળ કંઇ કરવું નથી. – નીતુ તેજવાણી, મહિલા

સમાધાન માટે 25 લાખની લેવડ-દેવડની વાત ખોટી છે
ઉગ્ર રજૂઆતથી હું ગુસ્સો થયો હતો. અને આવેશમાં આવીને મેં મહિલાને લાત મારી હતી. મારી ભૂલ થઈ હોવાથી મેં મહિલાની માફી પણ માંગી લીધી હતી. અમારા સમાજના પાંચ લોકો અને એનસીપીના પાંચ કાર્યકરોની હાજરીમાં સમાધાન કરાયું છે. 25 લાખ આપ્યાની વાતો પાયાવિહોણી છે કોઈ લેવડદેવડ વિના સમાધાન થયું છે. – બલરામ થાવાણી, ધારાસભ્ય, ભાજપ

બંધ બારણે ત્રણે વચ્ચે શું ચર્ચા થઈ તેની મને જાણ નથી
મારા ઘરમાં બંધ બારણે નિતુબેન, તેમના પતિ અને બલરામ થાવાણી વચ્ચે 15 મિનિટ ચર્ચા ચાલી હતી.રૂમની અંદર શું વાત થઇ તે એ ત્રણ જ લોકો જાણે છે. નીતુબેને મને કહ્યું કે મારા સિંધી સમાજના આગેવાનોએ મને કહ્યું છે કે બલરામ થાવાણી માફી માંગવા માંગે છે. તે મને તેમની ઓફિસ બોલાવે છે. પણ મેં જવા ઈન્કાર કર્યો અંતે મારા ઘરે આવવાનું નક્કી થયું.- નિકુલ તોમર, એનસીપી નેતા

ધારાસભ્યને પસ્તાવો હોય તો સમાધાન કરી લેવું જોઇએ
એનસીપીના મહિલા કાર્યકર અને બલરામ થાવાણી વચ્ચે સમાધાન માટે એનસીપીના નરોડાના નેતા નિકુલસિંહ તોમરે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. નિકુલસિંહે મારું ધ્યાન દોર્યું હતું. મેં વળતો પ્રત્યુત્તર આપ્યો હતો કે, આ ઘટના ખૂબ દુખદ છે પણ જો ધારાસભ્ય થાવાણીને ખરેખર પસ્તાવો થયો હોય તો સમાધાન કરી લેવું જોઈએ. – શંકરસિંહ વાઘેલા, એનસીપીના નેતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here