અમિત શાહ આવતીકાલે NDAના નેતાઓને ડિનર કરાવશે, કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ મળશે

0
36

નવી દિલ્હીઃ 23મેના લોકસભા ચૂંટણી પરિણામો પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ મંગળવારે દિલ્હીમાં એનડીએ દળોના નેતાઓને રાત્રિ ભોજન કરાવશે. સૂત્રો પ્રમાણે, આ દિવસે કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક પણ યોજાશે. રવિવારે આવેલા 10માંથી 9 એક્ઝિટ પોલ્સમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે. ભાજપના નેતાઓને આશા છે કે પરિણામ સર્વેના આંકડાઓથી પણ ઘણું સારુ હશે. બીજી તરફ, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ પરિણામના દિવસે સહયોગી દળોની બેઠક બોલાવી છે.

ભાજપ મહાસચિવ રામ માધવે કહ્યું કે, બંગાળના પરિણામો રાજકીય નિષ્ણાતોને ચોંકાવનારા હશે. અમે અહીં ભાજપના સારા પ્રદર્શનની આશાઓ સેવીએ છીએ. નરેન્દ્ર મોદીને બંગાળમાંથી ઘણું સમર્થન મળ્યું છે. બંગાળમાં આ વખતે અમે 2014માં મળેલી ઉત્તરપ્રદેશ જેવી સફળતા મેળવીશું. તેમણે કહ્યું કે, શરૂઆતથી જ મહાગઠબંધન બધી રીતે નિષ્ફળ રહ્યું છે. ઘણી પાર્ટીઓએ પ્રયાસો કર્યા પરંતુ એક પણ રાજ્યમાં તેમને સફળતા મળી ન હતી. હવે મતદાન બાદ પણ પ્રયાસો ચાલુ છે.

એક્ઝિટ પોલ્સ પર વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયાઓ

કોંગ્રેસ નેતા શશિ થરૂરે એક્ઝિટ પોલ્સને ફગાવતા કહ્યું કે, 23મેની રાહ જોવી જોઈએ. થોડાં દિવસ પહેલા  ઓસ્ટ્રેલિયા માં 56 એક્ઝિટ પોલ્સ ખોટા સાબિત થયા છે. ભારતમાં સરકારના ડરથી ચૂંટણીની સચ્ચાઈ નથી જણાવાતા.

TDP પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, એક્ઝિટ પોલ્સ જનતાની નસ પકડવામાં નિષ્ફળ નિવડ્યા છે. આશા છે કે આંધ્રમાં TDP સત્તામાં પરત ફરશે અને કેન્દ્રમાં બિન-એનડીએ દળોની સરકાર બનશે.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, મને એક્ઝિટ પોલની વાત પર ભરોસો નથી. આ ફક્ત ઈવીએમમાં ગરબડ કે તેને બદલવાનો ગેમ પ્લાન છે. તમામ વિપક્ષી દળોને અપીલ કરું છું કે એકજુથ થઈને લડાઈ લડે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું દિલ્હીની મીડિયાએ વિશ્વસનીયતા ખોઈ દીધી? કથિત એક્ઝિટ પોલ્સ ફક્ત ભ્રમિત કરશે. અમે જનતાના નિર્ણયની રાહ જોઈશું.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું કે, દરેક એક્ઝિટ પોલ ખોટા ન હોઈ શકે. હવે ટીવી બંધ કરવા અને સોશયલ મીડિયાથી દૂર રહેવાનો સમય છે. 23મેના પરિણામો દુનિયા પોતે જોશે.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, એક્ઝિટ પોલ્સની વિશ્વસનીયતા પર હંમેશા સવાલ ઉઠી રહ્યા છે. 50 વર્ષના રાજકારણમાં તેની પર વિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી. મને લાગે છે કે કોંગ્રેસ ફક્ત પંજાબમાં જ નહી પણ સમગ્ર દેશમાં સારો દેખાવ કરશે.

સોનિયાએ 23મેના રોજ બિન-એનડીએ દળોની બેઠક બોલાવી

યુપીએના ચેરપર્સ સોનિયા ગાંધીએ 23મેના રોજ બિન-એનડીએ દળોની બેઠક બોલાવી છે. પાર્ટીના સૂત્રો પ્રમાણે, કોંગ્રેસનું માનવું છે કે ભાજપને આ વખતે બહુમતી નહીં મળે. જેને જોતા યુપીએ પ્રમુખે સેક્યુલર પાર્ટીઓના નેતાઓને નિમંત્રણ મોકલ્યું છે. જેમાં શરદ પવાર , દ્રમુક પ્રમુખ એમકે સ્ટાલિન , રાજદ અને ટીએમસીના નેતાઓ પણ સામેલ છે. જેના માટે કોંગ્રેસે ચાર નેતાઓની ટીમ પણ બનાવી છે, જેમાં અહેમદ પટેલ , પી ચિદંબરમ , ગુલામ નબી આઝાદ અને અશોક ગેહલોત સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here