અમેરિકાએ પાકિસ્તાની નાગરિકોની વિઝા મર્યાદા ઘટાડી, 5 વર્ષની જગ્યાએ માત્ર 3 મહિનાના જ વિઝા મળશે

0
30

વોશિંગ્ટન: પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી સમગ્ર દુનિયાથી ઘેરાયેલા પાકિસ્તાનને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. અમેરિકાએ તેમના દેશમાં આવનાર પાકિસ્તાની નાગરિકોને મળતા વિઝાની સમય મર્યાદા ઘટાડી દીધી છે. પહેલાં પાકિસ્તાની નાગરિકોને 5 વર્ષના વિઝા આપવામાં આવતા હતા. પરંતુ હવે તે સમય મર્યાદા ઘટાડીને માત્ર 3 મહિનાની કરવામાં આવી છે.

પાકિસ્તાની ન્યૂઝ પેપર ધી ટ્રિબ્યુનના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં રહેતા અમેરિકન રાજદૂતે આ વિશેની માહિતી સરકારને આપી છે. નવા આદેશ પ્રમાણે પાકિસ્તાની પત્રકાર અને મીડિયાપર્સનને વધારે તકલીફ થશે. કારણ કે તેમની વિઝા અવધી પણ 3 મહિનાની કરી દેવામાં આવી છે.

આટલું જ નહીં અમેરિકાએ વિઝાની અવધી ઘટાડવાની સાથે સાથે તેની ફીમાં વધારો પણ કરી દીધો છે. એટલે કે જો કોઈ પાકિસ્તાની નાગરિક અમેરિકા જવા ઈચ્છતો હોય તો તે એક સાથે 12 અઠવાડિયાથી વધારે ત્યાં રહી શકશે નહીં. જો તેને વધારે ત્યાં રહેવું હશે તો તેણે પાકિસ્તાન આવીને પાછા તેના વિઝા રિન્યૂ કરાવવા પડશે.

નવા આદેશ પ્રમાણે વર્ક વીઝા, જર્નાલિસ્ટ વિઝા. ટ્રાન્સફર વિઝા, ધાર્મિક વિઝા માટેની ફીમાં પણ વધારો કરી દીધો છે. અત્યારે હાલ તે વિઝાની જે ફી છે તેમાં 32થી 38 ડોલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

એટલે કે હવે કોઈ પાકિસ્તાની પત્રકાર અમેરિકા જવા માગતો હોય તો તેણે 192 ડોલર ફી આપવી પડશે. જ્યારે અમુક કેટેગરીમાં વીઝા ફી 198 ડોલર પણ થઈ છે. અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે 2018માં અંદાજે 38 હજાર લોકોને અમેરિકાના વિઝા આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, પુલવામા આતંકી હુમલા પછી પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય લેવલે ઘણાં ઝટકા લાગ્યા છે. અમેરિકાએ પહેલાં જ પાકિસ્તાનને કરવામાં આવતી મદદ પરપ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત ઘણી વાર આતંકી સંગઠનો પર કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here