અમેરિકા, બ્રિટન, ફ્રાન્સે UNમાં આતંકી મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવાનો પ્રસ્તાવ આપ્યો

0
24

નવી દિલ્હી: પુલવામા હુમલા પછી આતંક વિરુદ્ધની જંગમાં ભારત સાથે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ પણ જોડાયાં છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે બુધવારે પ્રસ્તાવ મૂક્યો છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાકિસ્તાનમાં આવેલા આતંકી સમૂહ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરે. જોકે ચીન આ પ્રસ્તાવનો વિરોધ કરવામાં આવે તેવી શક્યતા છે. તેમણે પહેલાં પણ સુરક્ષા પરિષદની ઈસ્લામિક સ્ટેટ અને અલકાયદા પ્રતિબંધ સમિતિને 2016 અને 2017માં JeM નેતા મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવામાં રોક લગાવી હતી. જોકે નવા પ્રસ્તાવ પર ચીન તરફથી હાલ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે 15 સભ્યોની સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિને અઝહરની વૈશ્વિક યાત્રા પર પ્રતિબંધ લગાવવાની અને સંપત્તિ જપ્ત કરવા માટે કહ્યું છે. રોયટર્સ દ્વારા દર્શાવવામાં આવેલા પ્રસ્તાવ પ્રમાણે સમિતિએ આ પ્રસ્તાવનો વિરોધ નોંધાવવા માટે 13 માર્ચ સુધીનો સમય આપ્યો છે.

નોંધનીય છે કે, 2009માં જ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારપછી ભારતે 2016 અને 2017માં પણ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ દર વખતે ચીને વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં ફ્રાન્સે પણ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકીની યાદીમાં સામેલ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રને પ્રસ્તાવ મોકલવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સલાહકાર અજીત ડોભાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોના રાજકીય સલાહકાર સાથે વાતચીત પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here