અમદાવાદમાં રિવરફ્રન્ટ પરથી નદીમાં કૂદીને આપઘાત કરવાના અનેક બનાવો સામે આવતા રહે છે. ઘણી વખત બ્રિજ પરથી નદીમાં કૂદવાના બનાવો બને છે. જેને અટકાવવા બ્રિજ પર જાળી લગાવી દેવામાં આવી હતી. પરંતુ હવે રિવરફ્રન્ટ પર નવા બનેલા અટલ બ્રિજ પરથી એક યુવકે નદીમાં કૂદીને જીવન ટુંકાવ્યું છે. અભેદ્ય સુરક્ષા હોવા છતાં યુવકે અટલ બ્રિજ પરથી નદીમાં કૂદકો માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગી ટીમ પણ રેસ્ક્યૂ ઓપરેશન માટે પહોંચી ગઈ હતી. પરંતુ બેથી વધુ કલાકની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ બહાર કઢાયો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે NHL મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા પારિતોષ મોદીએ રાતના સમયે સાબરમતિ નદીમાં ઝંપલાવ્યું હતું. તેણે નદીમાં કૂદતાં પહેલાં સોશિયલ મીડિયામાં ફ્રીડમને લગતી પોસ્ટ મુકી હતી. ત્યાર બાદ તે નદીમાં કૂદયો હતો. તેને કઈ બાબતે ફ્રીડમ જોઈતી હતી તેની હજી સુધી કોઈ માહિતી મળી નથી. તેના આપઘાતથી પરિવાર અને મિત્રોમાં પણ આઘાતમાં જોવા મળ્યાં છે. આ મામલે રિવરફ્રન્ટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અટલ બ્રિજ પર સુરક્ષા કર્મીઓ અને બાઉન્સર હોવા છતાં આ ઘટના બનતા સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે. યુવક બ્રિજની ફ્રેમ પાસે કેવી રીતે પહોંચ્યો અને નદીમાં કૂદકો માર્યો ત્યાં સુધી કોઈએ તેને જોયો નહીં અને કોઈ તેને બચાવી પણ ના શક્યું તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અટલબ્રિજની ફ્રેમ પાસેથી યુવકનો મોબાઈલ ફોન પણ મળ્યો છે. ત્યારે પોલીસ દ્વારા આ યુવક કોણ છે અને આપઘાત પાછળ શું કારણ છે એ દિશામાં તપાસ કરી હતી. જેમાં યુવક મેડિકલ વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે.