અસલામત અમદાવાદ / પીજી હાઉસમાં છેડતીનો ભોગ બનેલી યુવતીએ આખરે ફરિયાદ નોંધાવી, પોલીસે વિકૃત યુવકને પકડવા તપાસ શરૂ કરી

0
65

 • CN24NEWS-19/06/2019
 • પીજી હાઉસમાં રહેતી છોકરીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો
 • અમદાવાદમાં મહિલાઓ સલામત કેટલી? રસ્તા પર જ નહીં પીજી હાઉસમાં પણ સુરક્ષિત નથી
 • ફ્લેટના રૂમ સુધી પહોંચવાની હિંમત કરતા વિકૃતોને રોકવા કડક પગલા ભરવા જરૂરી
 • બેફામ બનેલી વિકૃત માનસિકતા રોકવા સરકારે કડક સજા કરી દાખલો બેસડવાની જરૂર
 • અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા કમલનયન એપાર્ટમેન્ટ્સના ફ્લેટમાં પીજી હાઉસમાં મોડી રાત્રે ઘૂસીને યુવકે હોલમાં સુતેલી મહિલાની છેડતી કરી હતી.14 જૂને વિકૃત યુવકે કરેલી શરમજનક અને ઘૃણાસ્પદ હરકતો સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આ ઘટનાના અહેવાલો પ્રકાશિત થયા બાદ મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. જેના પગલે બનાવની ગંભીરતાને જોતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી અને બાઈકના નંબરના આધારે યુવકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે અને પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માગ્યો છે. આ ઘટનામાં પોલીસની સમજાવટ બાદ પીડિતાએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.પીડિતાએ ફરિયાદ નોંધાવી, પીડિતાને સ્થળ પર લઇ જઇ પોલીસે તપાસ શરૂ કરી
  છેડતી કેસમાં પીડિતાએ આખરે ફરિયાદ નોંધાવી છે. નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી વિકૃત યુવકની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ પીડિતાને સ્થળ પર લઇ ગઇ હતી અને તપાસ શરૂ કરી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છેકે, કમલનયન એપાર્ટમેન્ટના પીજી હાઉસમાં થયેલી છેડતી અંગેની એફઆઇઆર દાખલ થઇ ગઇ છે. પીજી હાઉસમાં સફાઈ કામ કરતી યુવતી ડ્રોઇંગ રૂમમાં સૂતી હતી. ત્યારે રાત્રીના સમયે ડ્રોઇંગ રૂમનો દરવાજો ખુલ્લો હોવાના કારણે અજાણી વ્યક્તિ અંદર ઘૂસી ગઇ હતી અને છેડતી કરી હતી. જોકે યુવતી ઉંઘમાં હોવાના કારણે તેને ખ્યાલ આવ્યો ન હતો. અન્ય યુવતીઓએ આ યુવકને ડ્રોઇંગ રૂમમાંથી બહાર નીકળતા જોઇ તેણીને જાણ કરી હતી અને ફરિયાદ કરવા કહ્યું હતું, જોકે એ સમયે યુવતીએ ફરિયાદ કરવાની ના પાડી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પીડિતાને સમજાવતા તેણે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી છે.

  આરોપીને પકડવા અલગ-અલગ ટીમો બનાવાઈઃ ડીસીપી પ્રવીણ મલ
  ઝોન 1ના ડીસીપી પ્રવીણ મલએ જણાવ્યું છેકે, પીજી હાઉસમાં મહિલાની છેડતી કરવાની ઘટનામાં ફરિયાદ નોંધવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ભાળ મેળવવામાં આવી રહી છે અને આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. જે બનાવ બન્યો છે તે બનાવના ફરિયાદીની ફરિયાદ લેવાની તજવીજ હાલ ચાલુ છે. 354ની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. સંચાલક ગેરકાયદે રીતે પીજી હાઉસ ચલાવતો હતો કે નહીં તે તપાસનો વિષય છે અને પોલીસને હજી સુધી આ અંગે માહિતી નથી. તપાસ બાદ નક્કી થઇ શકે કે પીજી ગેરકાયદેસર હતા કે કાયદેસર હતા. પોલીસની તમામ ટીમો સીસીટીવી ફૂટેજ, આરોપીનું જે પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે તેના આધારે કાર્યવાહી કરી રહી છે. ફરિયાદ મોડી કરવા અંગે જણાવ્યું છેકે જો સંચાલકો વિરુદ્ધ કોઇ પુરાવારૂપ હકિકતો સામે આવશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે.

  પીજી કાયદેસર છે અને તમામ યુવતીઓનું પોલીસ વેરિફિકેશન છેઃ પીજી સંચાલક
  ઘટના અંગે પીજી સંચલાક સેની સિંહે જણાવ્યું છેકે, તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પીજી હાઉસ ચલાવે છે. તેમના પીજીમાં 60થી 65 યુવતીઓ રહે છે. કમલ-નયન એપાર્ટમેન્ટ્સના ફ્લેટ્સમાં જે પીજી હાઉસ છે તે કાયદેસર છે અને સોસાયટીમાં ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છેકે હું પીજીનું કામ કરું છે અને પીજીનું કામ કરતો હોવાથી મેઇન્ટેનન્સ પણ નક્કી કરવામાં આવ્યું છે, એ પ્રકારે મેઇન્ટેનન્સ પણ આપું છે. જે ફ્લેટમાં આ ઘટના ઘટી છે, ત્યાં 19 જેટલી યુવતીઓ રહે છે. ફ્લેટનો દરવાજો બંધ કરવા માટે એક વોર્ડન પણ રાખવામાં આવી છે. રાત્રે 12થી 12.30 વાગ્યાની આસપાસ એક યુવક સોસાયટીમાં આવ્યો અને કોમનમાં થોડીકવાર ઉભો રહ્યો. બાદમાં એ યુવક અમારા બી-3માં ઉપર ગયો. જ્યાં દરવાજો ખોલ્યો અને ત્યાં સૂતેલી વોર્ડન સાથે શારીરિક અડપલા કર્યા. ફરિયાદ મોડી નોંધાવવા અંગે જણાવ્યું છેકે, પીડિત વોર્ડન સતત રડી રહી છે અને ફરિયાદ કરવાની મનાઈ કરી રહી હતી.

  અમદાવાદમાં કાયદો વ્યવસ્થા કથળી, પોલીસ કામગીરી સામે અનેક સવાલો
  અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાની ઘટનાઓ સામે આવી છે. છ દિવસ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ અને એલિસબ્રિજ પાસેથી બે લાશ મળી હતી, જેની ઓળખ હજી સુધી પોલીસ કરી શકી નથી. બન્ને હત્યાના કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હોવા છતાં પણ આરોપીનું પગેરું મેળવી શકાયું નથી. તેવામાં સીજી રોડ પરના પીજી હાઉસમાં ધૂસીને વિકૃત યુવકે મહિલા સાથે છેડતી કરી છે, જેની તપાસ પણ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં બનતી ગુનાહિત ઘટનાઓના કારણે પોલીસ કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

  યુવકે પીજી હાઉસમાં ઘૂસી મહિલાની છેડતી કરી, ઘરમાં 19 યુવતીઓ સૂતી હતી
  નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા પીજી હાઉસમાં 19 યુવતીઓ રહે છે. જેમાં એક મહિલા કેરટેકટર છે. 14 જૂનના રોજ મોડી રાતે એક વાગ્યાની આસપાસ એક યુવક પીજી હાઉસનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો હતો. બદઈરાદે ઘરમાં ઘૂસેલા યુવકે દરવાજો ખુલ્લો જ રાખી બહાર હોલમાં સૂતેલી મહિલા સાથે છેડતી કરી હતી. મહિલા ન જાગતા તેની હિંમત ખુલી ગઈ હતી અને ત્યાં જ તેણે હસ્તમૈથુન કર્યું હતું. બાદમાં અંદર બે રૂમમાં જે 19 યુવતીઓ સૂતી હતી ત્યાં ગયો હતો. જ્યાં એક યુવતી જાગતી હોવાથી તેને જોઈ ગઈ હતી. જેથી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતી. યુવતીએ તેનો પીછો પણ કર્યો હતો પરંતુ બાઈક પર તે નાસી ગયો હતો.

  પીજીના માલિકે 2 સિક્યુરિટી ગાર્ડ પણ મુક્યા હોવાનું સામે આવ્યું
  ઘટના બાદ પીજીમાં રહેતી તમામ 19 યુવતીઓ અત્યરે ડરી ગઈ છે. પીજીના માલિકે 2 સિક્યુરિટી ગાર્ડ પણ મુક્યા હોવાનું સામે આવ્યું છે. જે ફ્લેટમાં આ ઘટના બની છે તેમાં 4 ફ્લેટમાં 80 જેટલી યુવતી પીજી તરીકે રહે છે. એક યુવતી જાગતી હોવાથી કોઈ પણ યુવતી સાથે અણબનાવ બનતા રહી ગયો હતો. પીજીમાં રહેતા મોટાભાગના લોકો મોડા આવતા જતા હોવાથી દરવાજો ખોલવાના આળસના કારણે દરવાજો ખુલ્લો જ રાખતા હોય છે જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. મહિલાની છેડતી અને તેની સામે જ હસ્તમૈથુનની ઘટના બાદ પીજીમાં રહેતી યુવતીઓમાં ભારે ડર વ્યાપી ગયો છે. આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવતા હવે અન્ય પીજીમાં રહેતી યુવતી અને તેના માલિકોએ જાગવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here