વડોદરાઃ અમરનાથ યાત્રામાં શહેરના રસીકભાઈ પટેલ અને અંકિત ચોકસી નામના બે યાત્રાળુના અવસાન થયા છે. ત્યારે બંને કિસ્સા બાદ યાત્રા પર ગયેલા શહેરીજનોએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રામાં જે ભંડારા થાય છે, તેને કારણે જ યાત્રાળુઓને સારી સવલતો મળે છે. જો કે, ભંડારા તેમજ આર્મીના મેડિકલ કેમ્પોને બાદ કરીએ તો શ્રાઈન બોર્ડ દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટને લગતી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. જો કોઈ યાત્રીને ગંભીર ઈજા થાય તો તેને હોસ્પિટલ સુધી પહોચવા માટે પણ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઇ નથી.
શ્રદ્ધાળુઓના મોત
અમરનાથ યાત્રામાં ભંડારો કરતા હિતેશ (અંબુ) પટેલે જણાવ્યું હતું કે, કોઈ યાત્રાળુને ગંભીર ઈજા થઈ હોય તો તેમના માટે સ્થળ પર ડોક્ટરની વ્યવસ્થા પણ નથી. જ્યારે આ દર્દીને તળેટી સુધી લઈ જવા શ્રાઈન બોર્ડ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરાઈ નથી. જ્યારે પહાડ પર જે મેડિકલ ટ્રીટમેન્ટની વ્યવસ્થા છે તેમાં ખાસ કરીને માત્ર ઓક્સિજનના બોટલ દ્વારા યાત્રાળુને ઓક્સિજન અપાય તેમજ મેડિકલ કીટ દ્વારા અપાય તેટલી સુવિધા છે. વધુ ટ્રીટમેન્ટ માટે 160 કિમી દુર શ્રીનગર હોસ્પિટલમાં પહોચવું પડે છે. પહેલગામમાં આવેલી હોસ્પિટલમાં પણ મેડિકલની યોગ્ય સુવિધા નથી મળતી. ઉદાહરણ આપુ તો હાલમાં જ વડોદરાના બે યાત્રિકોના અવસાન યાત્રા દરમિયાન થયા હતા. તેમના દેહને શ્રીનગર એરબેઝ સુધી લઈ જવા માટે પણ કોઈ એમ્બ્યુલન્સ હતી નહીં. ઘણી તકલીફો બાદ શ્રીનગરથી પ્રાઈવેટ એમ્બ્યુલન્સને બોલાવી પડી હતી. શ્રાઈન બોર્ડ દ્વારા યાત્રામાં કરોડો રૂપિયાની આવક ઊભી કરાય છે. પરંતુ તેની સામે યોગ્ય પ્રાથમિક સુવિધા નથી આપી રહ્યું.
દર્દી હોય તો પણ 8-10 વાહનો ભેગાં થયા બાદ આગળ જવા દે
હિતેશ પટેલે જણાવ્યું હતું કે, પોલીસ અમરનાથ યાત્રીઓના જથ્થાની ગાડીઓ ભેગી થાય પછી જ તેમને એક સાથે આગળ જવા દે છે. ભલે પછી કોઈ દર્દીને હોસ્પિટલમાં લઈ જવાનો હોય. એક દર્દીને ગંભીર હાલત હોવા છતા સ્થાનિક સિક્યુરીટી ફોર્સે અમને હોસ્પિટલ જવા દિધા ન હતાં. જ્યારે ગાડીઓનો જથ્થો ભેગો થયો ત્યાર બાદ જ અમને જવા દીધા હતા.