આઇપીએલ : વોટ્સનને ઘૂંટણમાંથી લોહી નીકળ્યું હતું તેમ છતાં બેટિંગ કરતો રહ્યો, મેચ પછી 6 ટાંકા લીધા

0
33

સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલ ફાઇનલમાં રવિવારે મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપરકિંગ્સને 1 રને હરાવ્યું હતું. આ મેચમાં ચેન્નાઇના ઓપનર શેન વોટ્સને 59 બોલમાં 8 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 80 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તે મેચની છેલ્લી ઓવરમાં રનઆઉટ થયો હતો. ચેન્નાઇના ઑફ સ્પિનર હરભજનસિંહે ખુલાસો કરતા કહ્યું હતું કે, બેટિંગ દરમિયાન વોટ્સને રનઆઉટથી બચવા ડાઇવ મારી હતી અને તેમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તેના ઘૂંટણમાંથી લોહી નીકળી રહ્યું હતું, પરંતુ તેણે હાર ન માની હતી. મેચ પછી તેને 6 ટાંકા લેવા પડ્યા હતા.

હરભજને ઇન્સ્ટાગ્રામમાં વોટ્સનનો ફોટો શેર કર્યો
હરભજને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વોટ્સનનો એક ફોટો શેર કર્યો હતો. તેમાં તેણે લખ્યું કે, શું તમને ઘૂંટણ ઉપર લોહી દેખાય રહ્યું છે? મેચ પછી તેને 6 ટાંકા લેવા પડ્યા હતા. ડાઇવ લગાવતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. તેમ છતાં કોઈને કઈ પણ કહ્યા વગર તેણે બેટિંગ ચાલુ રાખી હતી.

મને વિશ્વાસ નથી થતો અમારી સાથે શું થયું: હરભજન
હરભજને કહ્યું કે, ફેન્સ માટે આ પૈસા વસૂલ ફાઇનલ હતી. પરંતુ અમારું દિલ તૂટી ગયું છે. મુંબઈને 149 રનમાં સીમિત કર્યા પછી અમે મેચ જીતી રહ્યા હતા. બેટ્સમેનોએ સારી શરૂઆત અપાવી હતી. જોકે નિયમિત અંતરે વિકેટ ગુમાવવાના લીધે અમે મેચ હારી ગયા હતા. મને વિશ્વાસ નથી થતો અમારી સાથે શું થયું, અમે જીતની બહુ નજીક હતા. અમારે એ વાતનો સ્વીકાર કરવો પડશે કે મુંબઈ વિજેતા છે.

ધોનીના રનઆઉટનો નિર્ણય અઘરો હતો
મેચમાં ચેન્નાઇના કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોનીને રનઆઉટ આપવામાં આવતા વિવાદ થયો હતો. તે અંગે હરભજને કહ્યું હતું કે, અમારી ટીમ ઇચ્છતી હતી કે ધોનીના રનઆઉટનો નિર્ણય અમારા પક્ષમાં જાય. એક એન્ગલથી તે આઉટ જણાતો હતો, તો બીજા એન્ગલથી નોટઆઉટ, આ નિર્ણય લેવો અઘરો હતો. થર્ડ અમ્પાયરને શંકા હોય તો જનરલી નિર્ણય બેટ્સમેનના પક્ષમાં જતો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here