Monday, September 27, 2021
Homeઆઈપીએલનો કાર્યક્રમ વિલંબમાં: ફ્રેન્ચાઇઝી-હોમ મેચ આડે ચૂંટણીનું વિઘ્ન
Array

આઈપીએલનો કાર્યક્રમ વિલંબમાં: ફ્રેન્ચાઇઝી-હોમ મેચ આડે ચૂંટણીનું વિઘ્ન

લોકસભાની ચૂંટણીની જાહેરાતને એક સપ્તાહ જેટલો સમય વીતી જવા આવ્યો હોવા છતાં ભારતીય ક્રિકેટ બોર્ડ હજુ આઇપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી શક્યું નથી. આઇપીએલના વિસ્તૃત કાર્યક્રમના વિલંબની પાછળ લોકસભાની સાત તબક્કાની ચૂંટણીનો કાર્યક્રમ કારણભૂત હોવાનું મનાય છે. સાત તબક્કાની ચૂંટણીને કારણે કેટલીક ફ્રેન્ચાઈઝની ઘરઆંગણાની મેચોનો કાર્યક્રમ ગોઠવવામાં મુશ્કેલી પડી રહી છે અને આ જ બાબત આઇપીએલના કાર્યક્રમમાં વિલંબ થવાનું મુખ્ય કારણ મનાય છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગના નિયમ અનુસાર આઠેય ફ્રેન્ચાઈઝીને હોમ અને અવેના ધોરણે સાત-સાત મેચો રમવાની થાય છે. હવે કેટલાક રાજ્યોમાં સાત તબક્કામા મતદાન હોવાથી તે રાજ્યની ફ્રેન્ચાઈઝની ઘરઆંગણાની સાત મેચોની તારીખો ગોઠવવા માટે બીસીસીઆઇના ઓફિસિઅલ્સ મગજ કસી રહ્યા છે.

આઠ ફ્રેન્ચાઈઝમાંથી પાંચ છ ટીમોને તો હોમ મેચોના આયોજનમાં મુશ્કેલી પડે તેમ નથી. જોકે સૂત્રો જણાવે છે કે, કોલકાતા અને મુંબઈ ઈન્ડિયન્સની મેચોના આયોજનમાં  આયોજકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચૂંટણી બંદોબસ્તમાં રહેલી પોલીસ મેચની સુરક્ષા વ્યવસ્થા કેમ કરી શકે ?

પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન થવાનું છે અને આ સાત દિવસો કે જ્યારે મતદાન થવાનું છે, તે એપ્રિલ મહિનાની ૧૧, ૧૮ અને ૨૩ અને ૨૯ તારીખો છે. જ્યારે મે મહિનાની તારીખ ૬, ૧૨ અને ૧૯ ના રોજ પણ બંગાળના કેટલાક વિસ્તારોમાં વોટીંગ થશે. વધુમાં પોલીસ અને અન્ય સિક્યોરીટી તેમજ અન્ય સ્ટાફે ચૂંટણીના કામમાં લગાવવા આવશે, જેના કારણે તેઓ ચૂંટણીના બે-ત્રણ દિવસ પહેલા અને ત્યાર બાદના બે-ત્રણ દિવસ તો આઇપીએલની મેચમાં તેઓ કામગીરી સંભાળી નહી શકે. આવી સ્થિતિમાં મેચોના આયોજનમાં મુશ્કેલી સર્જાઈ છે.

મુંબઈની હોમ મેચ અન્ય રાજ્યોને મળી શકે

મહારાષ્ટ્રમાં ચાર તબક્કામાં મતદાન થવાનું છે અને આ કારણે મુંબઈ ઈન્ડિયન્સની કેટલીક મેચો પર પણ અસર થઈ શકે છે. જેના કારણે આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીસ અને બીસીસીઆઇના ઉચ્ચ અધિકારીઓ કોલકાતા તેમજ મુંબઈની કેટલીક હોમ મેચીસ અન્યત્ર કોઈ રાજ્યને ફાળવવા માટે વિચારી રહ્યા છે.

આઇપીએલની ફ્રેન્ચાઈઝીના હોમગ્રાઉન્ડના કેટલાક વિસ્તારમાં તો માત્ર એક જ તબક્કામાં મતદાન થવાનું છે, જેના કારણે ત્યાના મેદાનો પર અન્ય ફ્રેન્ચાઈઝીની હોમ મેચો રમાડી શકાય. હૈદરાબાદમાં તારીખ ૧૧ એપ્રિલે મતદાન પુરૃ થઈ જશે. જ્યારે પંજાબમાં તારીખ ૧૯મી મે ના રોજ ચૂંટણી યોજવાની છે, ત્યારે તો આઇપીએલ પુરી પણ થઈ જશે.

વૈકલ્પિક સ્થળો માટે BCCIએ કમર કસી

લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે કેટલાક વૈકલ્પિક સ્થળોની યાદી પણ તૈયાર કરી લીધી છે. આંધ્ર પ્રદેશના વિઝાગ તેમજ મધ્ય પ્રદેશના ઈન્દોરને કેટલીક ફ્રેન્ચાઈઝની મેચો મળી શકે તેમ છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના ધરમશાલામાં પણ મેચો ફળવાય તેવી શક્યતા છે. આઇપીએલની ગર્વનિંગ કાઉન્સીલ ઈચ્છી રહી છે કે, આગામી સીઝનના મુકાબલામાં ટીમો અને ઓફિસિલ્સની સલામતી માટે પોલીસ અને સિક્યોરિટી ફોર્સ તૈયાર રહે.

IPLનો કાર્યક્રમ સોમવારે જાહેર થવાની શક્યતા

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનના પ્રારંભને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હજુ સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થઈ શક્યો નથી. બીસીસીઆઇના ઓફિસિઅલને ટાંકીને એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, આઇપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ સોમવારે જાહેર થઈ શકે છે. અત્યાર સુધી માત્ર શરૃઆતના બે સપ્તાહ એટલે ૨૩મી માર્ચથી લઈને પાંચ એપ્રિલ સુધીનો કાર્યક્રમ જ જાહેર કરવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે મે મહિનાના અંતમાં ઈંગ્લેન્ડની ભૂમિ પર આઇસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડકપ શરૃ થઈ જશે અને આ કારણે આઇપીએલ નિર્ધારિત કાર્યક્રમ કરતાં વહેલા ગોઠવવામાં આવી છે. ૨૩મી માર્ચે આઇપીએલનો પ્રારંભ થશે અને પ્રથમ મેચમાં ધોનીની ચેન્નાઈની ટીમ કોહલીની બેંગ્લોરની ટીમ સામે રમશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments