આજથી ભાગેડુ ગુનેગારોને જેલમાં નાંખવા પોલીસનું રાજ્યવ્યાપી અભિયાન

0
29

અમદાવાદઃ મર્ડર,લૂંટ અને અપહરણ જેવા ગુનાઓ આચરી નાસતા ફરતા ગુનેગારોને શોધવા માટે રાજ્યવ્યાયી અભિયાન હાથ ધરાયું છે. અમદાવાદમાં તમામ જિલ્લાની પોલીસ ભાગેડુ ગુનગારોની યાદી લઇને આવશે અને તેને શોધવામાં મદદરૂપ થવા માટે યાદી એકબીજાને સોંપશે. કાંકરિયા પાસે આવેલા અમુલ ગાર્ડન ખાતે તમામ જિલ્લા એલસીબીના પીએસઆઈ અને સ્ટાફના માણસો પોતાના જિલ્લાના ભાગેડુ ગુનેગારોના ફોટો સાથેની યાદી લઇને આવશે. જેમાં બીજા શહેરમાં ગુનાખોરી આચરી અમદાવાદમાં છૂપાયેલા આરોપીને શોધવામાં અમદાવાદ પોલીસ મદદરૂપ થશે.

ગુરુવારે સુરત રેન્જ, વડોદરા રેન્જ તથા ગોધરા રેન્જ એલસીબી અધિકારીઓ પોતાના જિલ્લાના નાસતા ફરતા આરોપીઓની યાદી લઈને અમદાવાદ આવ્યા છે.જ્યારે શુક્રવારે રાજકોટ, જૂનાગઢ, ગાંધીનગર, ભાવનગર રેન્જ પોલીસ આવશે. તેમજ શનિવારે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેર એલસીબી પોલીસની બેઠક મળશે. સવારથી સાંજ સુધી ચાલનારા આ અભિયાનમાં તમામ જિલ્લાની પોલીસ ભાગેડું આરોપીને શોધીને જેલના સળિયા પાછળ ધકેલવા માટેની કાર્યવાહી કરશે.

પોલીસ તપાસમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સગીરાઓના અપહરણ, લૂંટ, પેરોલ જમ્પ અને ખૂન સહિતના ગંભીર પ્રકારના ગુના આચરીને આરોપીઓ પોલીસને થાપ આપી જે તે શહેર છોડીને બીજા શહેરમાં ચોરી છૂપીથી વસવાટ કરતા હોય છે. બીજીતરફ એક બીજા શહેરની પોલીસ વચ્ચે સંકલનના અભાવે ગુનેગારોને મોકળું મેદાન મળતું હોય છે. જેના કારણે ગુનેગારો બીજા શહેરમાં ભાડાના મકાનમાં રહીને ત્યાં પણ ગુનાખોરી આચરે છે. આ અભિયાનથી એક બીજા શહેરની પોલીસ મદદરૂપ થઇ ગુનગારોને શોધી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here