મસાલા પાપડ એક એવી ચીજ છે જે મોટાભાગના લોકો હોટલમાં જાય ત્યારે ચોક્કસથી મંગાવે છે. સામાન્ય રીતે હોટેલોમાં એક પાપડના 50-60 રૂપિયા વસૂલતી હોય છે. આ જ પાપડ તમે ઘરેથી સરળતાથી કોઇ પણ મહેનત વગર બનાવી શકે છો. જાણો મસાલા પાપડ બનાવવાની સરળ રીત…
-મસાલા પાપડ માટે અડદની દાળના મરીવાળા પાપડ સૌથી શ્રેષ્ઠ છે. જો આ પાપડ ન હોય તો બીજા પણ વાપરી શકો. મસાલા પાપડ એક એવી વાનગી છે. જે બને તેવી તરત જ સર્વ કરી દેવી જોઈએ નહિં તો પાપડ પોચો પડી જશે અને ખાવાની મજા નહી આવે.
સામગ્રી:
2-3 મોટી સાઇઝના પાપડ
1 મિડિયમ સાઇઝના ડુંગળી
1 મિડિયમ સાઇઝનું ટામેટુ
2 ચમચા ઝીણી સમારેલી કોથમીર
1 ચમચી લીંબુનો રસ
અડધી ચમચી લાલ મરચા પાવડર
1 ચમચી શેકેલો જીરા પાવડર
1 ચમચી ચાટ મસાલો
સ્વાદનુસાર મીઠુ
પાપડ તળવા માટે તેલ
સ્ટેપ 1:
એક બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી, ટમેટા, લાલ મરચા પાવડર, શેકેલા જીરા પાવડર, ચાટ મસાલા પાવડર અને નમક મિક્સ કરો. તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર પડે તો મસાલા કે લીંબુનો રસ ઉમેરી શકાય. પાપડ તળો તે પહેલા જ આ મિશ્રણ તૈયાર કરો.
સ્ટેપ 2:
એક પેનમાં તેલ લઈને ગરમ તેલમાં પાપડ તળો. ચિપિયાનો ઉપયોગ કરશો તો પાપડ વળી નહી જાય. થોડી જ સેકન્ડમાં પાપડ કડક થઈ જશે. પાપડને બ્રાઉન કરવાની જરૂર નથી. પાપડ તળાય એટલે તેને તરત જ કાઢી લો. તમારે પાપડ તળવો ન હોય તો તમે બંને બાજુ તેલ લગાવીને તવા પર શેકી પણ શકો છો.
સ્ટેપ 3:
આ પાપડને પેપર નેપકિન પર રાખી દો જેથી વધારાનું તેલ ચૂસાઈ જાય. હવે આ પાપડ પર મિશ્રણ પાથરી દો. તેના પર કોથમીર અને ચાટ મસાલો ભભરાવી તરત જ સર્વ કરો.