આજે મકરસક્રાંતિના પર્વ પર દાનપૂણ્યની પરંપરા સાથે પતંગોનો આકાશી જંગ જામશે

0
39

ગાંધીનગરના પતંગરસિયાઓમાં ઉત્તરાયણનો અકબંધ રહેલો ઉત્સાહ જોતા સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે. પોતાના ધાબે પતંગોના યુદ્ધ ખેલવા માટે સજ્જ થયેલા પતંગરરિકોએ હર્ષોલ્લાસથી ઉત્તરાયણ ઉજવવા માટે ખર્ચ કર્યો છે.

મોંઘવારીની અસર હોવા છતા ઉત્તરાયણની ઉજવણીના ઉત્સાહમાં ઓટ આવી નથી. આવતીકાલે  ઉત્તરાયણ હોવાથી બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી જામી છે. વહેલી સવારથી જ પતંગ રસીયાઓ પોતાની અગાસી ઉપર પહોચી જશે અને પતંગ ચગાવવાનો લ્હાવો લુંટશે. તો આ સાથે મકરસક્રાંતિના પાવન પર્વએ દાન કરીને પુણ્ય કમાવવાનો પણ લોકો મોકો ચુકશે નહીં.

ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારોનું અલગ અલગ મહત્વ હોય છે. આમ દરેક તહેવારોની ઉજવણી પણ અનોખી રીતે કરવામાં આવતી હોય છે.તેમાં પણ દિવાળી બાદ સૌથી પ્રિય એવો તહેવાર  જાન્યુઆરી બીજા સપ્તાહમાં ઉત્તરાયણનો પર્વ આવતો હોય છે અને નાના મોટા સૌ તેની દર વર્ષે આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે તે ઉત્તરાયણના પાવન પર્વની તા.૧૪મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે.

હિન્દુ સંસ્કૃતિમાં આ દિવસથી વિવિધ શુભ કાર્યનો પ્રારંભ પણ કરવામાં આવતો હોય છે.ઉત્તરાયણમાં પતંગના પેચ લડાવવાની એક મજા લોકો માણતા હોય છે. ઉત્તરાયણ પર્વ અગાઉ જ દરેક લોકો પતંગ તેમજ દોરી ખરીદવા માટે તૈયારીઓ શરૃ કરી દેતાં હોય છે.

૧૪ જાન્યુઆરીના દિવસે પતંગબાજી સમાજ અને સંસ્કૃતિનો હિસ્સો બની ગઇ છે. ગાંધીનગરમાં મકરસંસ્ક્રાતિના દિવસે અનોખો માહોલ સર્જાય છે. ખુલ્લાં મેદાનો અને મોકળાશ ભર્યા આકાશને કારણે શહેરમાં પતંગબાજીની ભારે જમાવટ થશે.

આ વર્ષે શહેરના પતંગબાજોનો ઉત્સાહ જોતાં પવન વેરી ન બને તો ઉત્તરાયણ રંગેચંગે  ઉજવાશે. પતંગની વેરાઈટીઝની સાથે સાથે બજારમાં મૂકાયેલી બેટરીવાળી ઓટોમેટીક ફીરકી, ફલોરોસન્ટ દોરી અને કાગળની ટુક્કલ સાથે હવે વિવિધ એસેસરીઝે ભારે આકર્ષણ જમાવ્યું છે. આ ઉપરાંત જાતભાતની કેપ્સ સાથે ચશ્મા અને દૂરબીનવાળી ફાઈબર કેપનો પણ ઉપાડ થયો છે.

સે-૨૧,૨૨, ૨૪ અને સે-૬ના પતંગ બજારોમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે મોંઘવારી અને જીએસટીની અસર છતાં ઉત્સવપ્રેમી ગાંધીનગરની જનતાએ ઉત્તરાયણ ઉજવવા માટે પતંગ – દોરી સહીત વિવિધ એસેસરીઝની પણ ખરીદી કરી છે.  ઉત્તરાયણના પાવન પર્વમાં પતંગ દોરીના પેચની મજાની સાથે સાથે વિવિધ વેરાયટીની એસેસરીઝ પણ અનોખુ આકર્ષણ ઉભું કર્યું છે. ત્યારે ઉત્તરાયણની સવારથી જ પતંગ રસીયાઓ ધાબા અને અગાસી ઉપર ચઢી જશે અને પતંગ ચગાવીને ઉત્તરાયણની મજા લુંટશે.

ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની સાથે સાથે દાનપૂન્યનો મહિમા છે. આ દિવસે લગભગ તમામ લોકો યથાશક્તિ દાન કરતાં હોય છે. ગાયને ચારો અને  કૂતરાને લાડુ ખવડાવતાં હોય છે. આ ઉપરાંત જરૃરિયાતમંદને પણ વિવિધ ચીજવસ્તુઓ અને રોકડનું દાન કરતાં હોય છે.

ત્યારે તમામ તહેવારની સાથે મકરસંક્રાંતિના તહેવાર સાથે ચટાકેદાર વાનગી ખાવાનું મહત્વ છે. જેને લઇને આ દિવસે ઉધિયું અને જલેબી ખઇને પણ ઉત્તરાયણની મજા લેવામાં આવે છે.  આ ઉપરાંત ધાબા ઉપર પતંગ ચગાવતાં ચગાવતાં ચીક્કી, શેરડી, બોર, જામફળની લહેજત પણ નગરજનો ઉઠાવશે.

આમ ઉત્તરાયણનો પર્વ ફક્ત પતંગ ચગાવવા અને પેચ કાપવા પુરતો મર્યાદિત નથી પરંતુ દાન પુન્ય સાથે ચટાકેદાર ઉધિયું અને જલેબી આરોગવાનો પણ મહત્વનો દિવસ છે. ત્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ માટે વાંચકોને હેપ્પી એન્ડ સેઈફ ઉત્તરાયણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here