આણંદઃ આણંદ પાસેના વાસદ પાસે આવેલી હોટલમાં મંગળવારે રાત્રિના સમયે ડ્રાઈવર સોનાના દાગીના, રોકડ તથા ઘડિયાળ મળી કુલ રૂા. 8.21 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયો હતો. જેની જાણ તેના શેઠને થતાં તેમણે આ મામલે વાસદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં શખ્સને જામનગરથી ઝડપી પાડ્યો હતો.
રાજકોટના શેરી નંબર 4માં સત્યમ પાર્ક ખાતે રહેતાં જગદીશભાઈ ભોગાયતા ગાડી તેમજ જમીન લે-વેચનો ધંધો કરે છે. પોતાના વ્યવસાય માટે તેમણે કાર ખરીદી હતી. જેમાં ડ્રાઈવર તરીકે મૂળ જામનગરના અને હાલમાં રાજકોટ ખાતે રહેતા પ્રવિણસિંહ ખોરસીયા (ચુડાસમા)ને રાખ્યો હતો. ગત 7મીએ વાસદ પાસે જમીનનું કામ હોય જગદીશભાઈ તેમજ તેમના 2 મિત્રો કિશોર રામાવાત અને જયભાઈ નીમાવતને લઈને વાસદ આવ્યા હતા. જ્યાં રાત્રે તેઓ વાસદ પાસેની રિલેક્સ હોટલમાં રોકાયા હતા.
બીજા દિવસે સવારે તેઓ ચિખોદરા ખાતે પાર્ટીને મળવાનું હોય ત્યાં ગયા હતા પરંતુ પાર્ટી ન મળતાં તેઓ પરત આવ્યા હતા. મંગળવારે રાત્રે તેઓ જમી પરવારીને હોટલમાં જ સૂઈ ગયા હતા. દરમિયાન, સવારે 5 કલાકે તેઓ જાગ્યા ત્યારે તેમના 2 મિત્રો રૂમમાં હતા, પરંતુ તેમનો ડ્રાઈવર હતો નહીં. જેથી તેમને તેમની કાર સાફ કરતો હશે તેમ લાગ્યું હતું. જેને પગલે તેઓ પુન: સુઈ ગયા હતા. બીજી તરફ સવારે સાડા આઠ કલાકે તેઓ ફરી જાગ્યા ત્યારે તેમને ડ્રાઈવર રૂમમાં જોવા મળ્યો નહોતો. જેને પગલે તેને ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.
જગદીશભાઈએ રૂમમાં તપાસ કરતાં રૂમમાં તેમણે સુતી વખતે થેલીમાં મૂકેલા સોનાના દાગીના તેમજ પાકીટ મળી આવ્યું નહોતું. થેલીમાં દસ તોલા સોનાની ચેન, 12 તોલા વજનની સિંહના મોંઢાવાળી પેન્ડન્ટ સાથેની ચેન, પાંચ તોલા અલગ ડિઝાઈવનવાળી પાંચ વીંટી, રોકડા રૂપિયા 9700, ગોલ્ડ ચેનવાળું ઘડિયાળ, કપડાં વગેરે મળી કુલ રૂા. 8.21 લાખની મત્તા તે ચોરી ગયો હોવાનું તેમને લાગ્યું હતું. જેમાં હોટલ કર્મીઓનો સંપર્ક કરતાં રાત્રિના 2 કલાકે 1 શખ્સ હાથમાં થેલી લઈને જતો હોવાનું તેમણે કહ્યું હતું. આ બનાવની જાણ તાત્કાલિક તેમણે વાસદ પોલીસ સ્ટેશને કરતાં વાસદ પોલીસે આ મામલે ચોરીનો ગુનો નોંધી એક ટીમ જામનગર તરફ રવાના કરી હતી. જેમણે ગણતરીના કલાકોમાં તેની તેના ઘરેથી ધરપકડ કરી હતી.
છેલ્લાં આઠ વર્ષથી નોકરી કરતો હતો, પરંતુ ખરાબ આદતની લત હતી
રાજકોટના શેઠને ત્યાં શખ્સ છેલ્લાં 8 વર્ષથી નોકરી કરતો હતો. જોકે, તેને દારૂ પીવાની, જુગાર રમવાની લત હતી. પૈસા તે આડી-અવળી જગ્યાએ વાપરી ન નાંખે તે હેતુસર તેના શેઠ તેનો રૂપિયા સાત હજારનો પગાર સીધો તેની વિધવા માતાને જ હાથોહાથ આપતા હતા. > ડી.બી. વાળા, પીએસઆઈ, વાસદ પોલીસ સ્ટેશન.