આતંકી મસૂદ મર્યો હોવાની વાત અફવા, પાક. મીડિયાનો દાવો- ‘જીવતો છે અઝહર’

0
34

ઈસ્લામાબાદ: ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મહનો મુખિયા મસૂદ અઝહર જીવતો છે. આ વાતની પુષ્ટિ પાકિસ્તાની મીડિયા મસૂદ અઝહરના પરિવારના સૂત્રો દ્વારા જણાવી છે. તે ઉપરાંત પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ઉર્દૂ ન્યૂઝે પણે મસૂદ અઝહરની મોતની ખબરને ખોટી ગણાવી છે.

ભારત દ્વારા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં એર સ્ટ્રાઈક કર્યા પછી એ ખબર સામે આવી છે કે, આતંકી સંગઠન જૈશના મુખિયા મસૂદ અઝહરની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેને રાવલપિંડીની મિલેટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારપછી આ ન્યૂઝ રવિવારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ ઝડપથી ફેલાઈ ગયા હતા કે મસૂદ અઝહરનું મોત થઈ ગયું છે. જોકે પાકિસ્તાની મીડિયાએ આ ન્યૂઝ નકારી દીધા હતા, અને વાસ્તવિકતા વિશે હજી કોઈ ચોક્કસ પુષ્ટિ થઈ નથી.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલે સંસદ હુમલાના મુખ્ય આરોપી આતંકી મસૂદના પરિવારના નજીકના અજ્ઞાત સૂત્રો દ્વારા જણાવ્યું છે કે, મસૂદ અઝહર જીવતો છે. જોકે હજી તેના સ્વાસ્થય વિશેની કોઈ માહિતી મળી નથી. બીજી બાજુ પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે પણ મૌન ધારણ કરી લીધું છે. સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ અઝહરના મોતના મીડિયા રિપોર્ટ વિશે કઈ પણ જણાવવાનો ઈન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે, મને હાલ આ વિશે કંઈજ ખબર નથી.

નવી દિલ્હીમાં ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા આતંકી મસૂદ અઝહરની મોત વિશે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી ખબરો વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે. ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે, અઝહરની સેનાની એક હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે અને તેની કિડનીની તકલીફ છે. તેમની પાસે આ સિવાય વધુ કોઈ માહિતી નથી.

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરમાં રહે છે. તેણે વર્ષ 2000માં જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન બનાવ્યું છે. વર્ષ 1999માં એનડીએ સરકારે હાઈજેક કરવામાં આવેલા ઈન્ડિન એરલાઈન્સના વિમાન આઈસી-814ને છોડાવવાના બદલામાં અઝહરને છોડ્યો હતો. નોંધનીય છે કે, આતંકી મસૂદ અઝહર પર 2001માં ભારતીય સંસદ પર હુમલાનું કાવતરુ ઘડવાનું, જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર આત્મઘાતી હુમલો અને પઠાણકોટમાં વાયુસેનાના કેન્દ્ર તથા પુલવામા આતંકી હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here