આતંકી હુમલાથી સૌરાષ્ટ્રમાં રોષ, ગોંડલમાં પાક.નો 30 ફૂટનો રાષ્ટ્રધ્વજ બનાવી લોકો તેના પર ચાલ્યા

0
33

રાજકોટ: જમ્મુ-કાશ્મિરના પુલવામામાં શહીદ થયેલા વીર જવાનોને ગોંડલના યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ માટે 30 ફૂટનો પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો હતો. જેને રોડ પર પાથરી તેના ઉપર ચાલી એકઠા થયેલા મહિલાઓ, વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ રોષ વ્યક્ત કરી ત્રણ ખૂણીયા પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ ગોંડલના દેરડીકુંભાજીમાં પણ લોકોએ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ પર ચાલી પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવ્યા હતા.

રાજકોટમાં અમન સોશિયલ ગ્રુપ દ્વારા મુસ્લિમ સમાજની મહિલાઓએ ભારતના રાષ્ટ્રધ્વજ સાથે આતંકવાદીના હુમલાને બેનરો સાથે સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. જેમાં મહિલાઓએ જણાવ્યું હતું કે, ઇસ્લામનો અર્થ સલામતી છે અને શાંતિ ફેલાવવાનો છે. અસલામતી ફેલાવે તે મુસ્લિમ નથી તે હેવાન છે. ભારત વર્ષ ઉપર છાશવારે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલા થતા હિન્દુસ્તાન અને ખાસ કરીને રાજકોટ મુસ્લિમ સમાજ ખૂબ જ વ્યથિત છે. મુસ્લિમ સમાજની લાગણી છે કે, પાકિસ્તાનને યોગ્ય સબક શીખવાડવામાં આવે. અંતમાં દેશ માટે જે જવાનો કુરબાની આપી શહીદ થયા છે તેઓની શહાદત દેશ હંમેશા યાદ રાખશે.

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલ ભવન, ન્યુ માયાણી નગર,રાજકોટ ખાતે શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌ કોઈ ભાઈ-બહેનોએ કેન્ડલ સળગાવી મૌન પાળીને દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ આરકે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત ગાય શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here