વડોદરા: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અરેઠી ગામની મિનલદેવી વસાવા પાયલટ બનીને ઉંચી ઉડાન ભરવા માંગે છે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતી સારી ન હોવાથી અને સરકાર દ્વારા પણ છેલ્લા 8 માસથી સ્કોલરશિપ ન મળતા મિનલદેવીને હવે પોતાનું પાયલટ બનવાનું સ્વપ્ન અધુરું લાગી રહ્યું છે.
મિનલદેવી ગુજરાત ફ્લાઇંગ ક્લબમાં કોમર્શિયલ પાયલટના લાયસન્સ માટે તાલીમ લઇ રહી છે
મિનલદેવીના પિતા છત્રસિંહ નેત્રંગ ફોરેસ્ટ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમની પાંચ દીકરીઓ પૈકી મિનલદેવી વડોદરામાં ભાડાના મકાનમાં રહે છે. અને વડોદરામાં આવેલી ગુજરાત ફ્લાઇંગ ક્લબમાં કોમર્શિયલ પાયલટના લાયસન્સ માટે તાલીમ લઇ રહી છે. મિનલદેવીની 3 બહેનો પૈકી રાજશ્રી પોલીસ વિભાગમાં નોકરી કરે છે. બે બહેનો અંજના અને જયશ્રી પોલીસ તંત્રમાં જવા માટે તૈયારી કરી રહી છે. નાની બહેન મહેશ્વરી બી.એ.નો અભ્યાસ કરી રહી છે.
દીકરીના અભ્યાસ માટે પિતાની લોન માટે રઝટપાળ
મિનલદેવી ધોરણ-9માં અભ્યાસ કરતી હતી, ત્યારથી જ તેણે પાયલટ બનવાની ઇચ્છા હતી. અને એર ઇન્ડિયામાં પાયલટ તરીકે નોકરી કરવાનું સ્વપ્ન સેવ્યું હતું. પિતાની આર્થિક સ્થિતી સારી ન હોવા છતાં પિતા દીકરીનું પાયલટ બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પિતા દીકરીના 3 વર્ષના કોર્ષ માટે રૂપિયા 33 લાખના ખર્ચેને પહોંચી વળવા માટે બેંક લોન માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ બેંકમાં જામીન માટે મિલકત આપી ન શકતા લોન મળી શકી નથી.
આદિવાસી સમાજે આપી શુભેચ્છા
ગણતંત્ર દિવસે અરેથી ગામના લોકોએ પાયલટ બનવા માટે તાલીમ લઇ રહેલી મિનલદેવીના હસ્તે ધ્વજવંદન કરાવ્યું હતું. અને તેનું સન્માન કર્યું હતું. ગામના સરપંચ સહિત ગામ લોકોએ તેને પાયલટ બનીને આદિવાસી સમાજનું અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્છા આપી હતી.
હું પાયલોટ બનવા માટે મારી મહેનતમાં કોઇ કસર નહીં છોડુઃ મિનલદેવી
ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા સન્માનથી ગદગદ થઇ ગયેલી મિનલદેવીએ જણાવ્યું હતું કે, મારા પિતા મારી પાયલટ બનવાની ઇચ્છા પૂર્ણ કરવા ખૂબ મહેનત કરી રહ્યા છે. ફાઇનાન્સિયલ તકલીફ છે. હું સ્કોલરશિપ મળે તે માટે પ્રયત્ન કરી રહી છું. હું પાયલોટ બનવા માટે મારી મહેનતમાં કોઇ કસર છોડવા માંગતી નથી.
મારી નાની દીકરીને પાયલટ બનાવવાની ઇચ્છા પૂરી કરવા માંગુ છુંઃપિતા
મિનલદેવીના પિતાએ જણાવ્યું હતું કે, મારી પાંચ દીકરીઓ મારા પાંચ પુત્ર સમાન છે. મારી નાની દીકરી મિનલદેવીને પાયલટ બનાવવાની ઇચ્છા પૂરી કરવા માંગુ છે. રૂપિયા 33 લાખ જેટલો ખર્ચ છે. જે મારાથી શક્ય નથી. હું બેંકમાંથી લોન લેવા માટે ગયો હતો. પરંતુ બેંકમાં જામીન માટે મિલકત માંગી હતી. પરંતુ, હું આપી ન શકતા મને મળી નથી.