આર્કિટેક્ટે 30 હજાર ન આપતાં વ્યંડળોએ ગાળો બોલી માર માર્યો

0
35

શહેરના રાજપથ ક્લબ પાછળ આવેલ વન વર્લ્ડ કેપિટલ કોમ્પ્લેક્સમાં આર્કિટેક્ટની ઓફિસમાં ૩૦ હજાર બોનસ પેટે વ્યંડળોએ માગ્યા હતા. આર્કિટેક્ટે કહ્યું કે આટલી મોટી રકમ ન હોય, જેથી વ્યંડળોએ એકદમ ઉશ્કેરાઈ જઇ તથા બીભત્સ ગાળો બોલીને આર્કિટેક્ટને ઢોર માર મારતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દસથી વધુ વ્યંડળ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે.

સાઉથ બોપલના ફ્લોરિસ રો-હાઉસમાં રહેતા આકાશ ગોપલાણીએ દસથી વધુ વ્યંડળ વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આકાશભાઈ રાજપથ ક્લબ પાછળ આવેલ વન વર્લ્ડ કેપિટલ નામના કોમ્પ્લેક્સમાં આ‌િર્કટેક્ટ તરીકેનો વ્યવસાય કરે છે. ગઈ કાલે બપોરના બાર વાગ્યાની આસપાસ તેમની ઓફિસમાંથી રોહિત ઠાકોરનો આકાશભાઈ પર ફોન આવ્યો હતો.

તેણે કહ્યું હતું કે દસથી પંદર વ્યંડળ પૈસા લેવા માટે આવ્યા છે, જેથી આકાશભાઈએ જણાવ્યું હતું કે તેમને બેસાડો. હું ઓફિસ આવું છું. થોડી વાર બાદ આકાશભાઈ ઓફિસ પહોંચી ગયા હતા. તે સમયે વ્યંડળોએ નવી ઓફિસ ખોલી હોવાથી આકાશભાઇ પાસે બોનસ પેટે ૩૦ હજાર રૂપિયા માગ્યા હતા, જેથી આકાશભાઇએ પૈસા આપવાની ના પાડતાં વ્યંડળો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા, તેમાંથી એક વ્યંડળે આકાશભાઈની ફેંટ પકડી હતી અને બીજા વ્યંડળોએ તેમની છાતી પર ફેંટ મારીને ઢોર માર માર્યો હતો.

આકાશભાઈએ તકનો લાભ લઈ ઓફિસમાંથી નીકળી પોલીસ કંટ્રોલમાં ફોન કરીને તાત્કાલિક પોલીસ બોલાવી લીધી હતી. પોલીસ આવી જતાં તમામ વ્યંડળ નાસી ગયા હતા અને આકાશભાઈએ દસથી પંદર વ્યંડળ સામે મારામારીની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here