કેન્દ્ર સરકાર દ્વારા અનાજ-કઠોળમાં 5 ટકા જી.એસ.ટી નાખતા રાજ્યભરની દાળ મીલ અને રાઇસ મીલો સોમવારથી વેચાણ બંધ કરશે. જી.એસ.ટીની યોગ્ય ગાઈડ લાઈન નહીં મળે ત્યાં સુધી રાજ્યની 500થી વધુ મીલો બંધ રહેશે જેનાથી વેપારીને લાખો કરોડોનું નુકશાન જશે અને સાથે સાથે સરકારને પણ જઈ.એસ.ટી આવક નહીં મળે.
નોંધનિય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટીના ટેક્સને લઈ અનેક સુધારા કર્યા છે જેમાં 5થી 12 ટકાના વધારાના ટેક્સ લેવાશે, અનાજ કઠોળની વાત કરીએ તો તેમાં 5 ટકાનો જી.એસ.ટી અમલ મુકવા દિશા નિર્દેશ અપાયા છે. સરકારે આ પહેલા અનાજ કઠોળમાં રજીસ્ટર બ્રાન્ડેડ કે જેમાં ટ્રેડ માર્ક હોય તે વસ્તુઓમાં 5 ટકા જી.એસ.ટી વસુલાતો હતો. જોકે તે બાદ 15 જુલાઈના રોજની સરકારની જી.એસ.ટી મામલે નવી ગાઈડ લાઈન જાહેર કરાઈ જેમાં રજીસ્ટર બ્રાન્ડેડ ટ્રેડમાર્ક શબ્દ કાઢીને પ્રિ પેકેજ અને લેબલ્ડ શબ્દ ઉપયોગમાં લીધો. જેમાં 5 ટકા જીએસટી લગાવવાની જાહેરાત કરાઈ છે.
જોકે સરકારની આ જાહેરાતમાં લીગલ મેટ્રોલોજી એક્ટ માની ગાઈડલાઈન લેવા જણાવાયું છે જેને કારણે જીએસટી કાઉન્સિલની સ્પષ્ટતા મળતી નથી, જોકે આ એક્ટ માં એવી પણ જોગવાઈ છે કે 100 ગ્રામથી 25 કિલોના પેક રજીસ્ટર એગ માર્ક પર 5 ટકા જી.એસ.ટી લેવો તો શું 30 કિલો કે 50 કિલોના પેક પર શુ કરવું, જો વેચાણમાં 30 કિલો ઉપર જી.એસ.ટી લેવાય અને કાલે એમ જાણવા મળે કે નહોતો લેવાનો, અથવા ન લેવાય ને સ્પષ્ટતા થાય કે દર લેવાનો હતો આવા સંજોગોમાં અનાજ મીલ માલિકો અસમંજસમાં છે. નવા નિયમની કોઈ સ્પષ્ટતા મળી નથી રહી જેને કારણે રાજ્યમાં 500થી વધુ રાઇસ મીલ અને દાળ મીલના માલિકોએ સોમવારથી વેચાણ અટકાવી દીધું છે.