આસામ : કોલ સેન્ટરથી કૌભાંડ કરનાર 37 લોકોની CIDએ ધરપકડ કરી, 7 લાખ અમેરિકન નાગરિકોનો ડેટાબેઝ મળ્યો

0
31

ગૌહાટી: સીઆઈડીની ટીમે બુધવારે વહેલી સવારે અહીં ગેરકાયદે રીતે ચાલતા કોલ સેન્ટર પર કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં 9 મહિલાઓ સહિત 37 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં સેન્ટરનો સંચાલક પણ સામેલ છે. આ સેન્ટર દ્વારા અમેરિકામાં રહેતા લોકો પાસેથી દર મહિને રૂ. 50 લાખ પડાવવામાં આવતા હતા. અહીં જપ્ત કરવામાં આવેલા કોમ્પ્યૂટરમાંથી અંદાજે સાત લાખ અમેરિકન લોકોનો ડેટા મળી આવ્યો છે.

એડીજીપી એલઆર બિશ્નોઈએ જણાવ્યું કે, એવિનર પ્રાઈવેટ લિમિટેડ નામથી આ સેન્ટર રાજેશ ખાન નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો. ઘટના સ્થળેથી 22 કોમ્પ્યૂટર મોનિટર, 40 સીપીયુ, 2 પેન ડ્રાઈવ, એક લેપટોપ, 32 મોબાઈલ ફોન, કંપનીના દસ્તાવેજ અને એક ડાયરી જપ્ત કરવામાં આવી છે.

આ પહેલાં પણ ઘણી જગ્યાએ કાર્યવાહી થઈ ચૂકી છેઃ ગયા મહિને એપ્રિલમાં ઉદયપુરમાં પોલીસે નકલી કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા. તેમાં 24 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. તે દરેક યુવક 8થી 10માં ધોરણ સુધી ભણેલા હતા. તે સમયે ઘટના સ્થળ પરથી 50 કોમ્પ્યૂટર અને 27 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, કોલ સેન્ટરમાં કામ કરતાં લોકો અમેરિકામાં રહેતા લોકોને ફોન કરીને પોતાની જાતને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન વિભાગના અધિકારી ગણાવતા હતા અને તેમના ટેક્સના બાકી પૈસા વસુલવાના નામે કૌભાંડ કરતા હતા.

ડિસેમ્બર 2018માં પણ નોઈડામાં અમેરિકન નાગરિકો સાથે કૌભાંડ કરનાર નકલી કોલ સેન્ટર પકડાયું હતું. અહીં પણ સોશિયલ સિક્યુરિટી નંબરનો ખોટો ઉપયોગ કરવાના નામે ધમકી આપીને પૈસા વસુલ કરવામાં આવતા હતા. આ કોલ સેન્ટરમાંથી 126 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત 312 કોમ્પ્યૂટર અને 20 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here