Tuesday, December 7, 2021
Homeઆ ઉત્તરાયણમાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ-પૌષ્ટિક તલ-સિંગની ચીકી
Array

આ ઉત્તરાયણમાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ-પૌષ્ટિક તલ-સિંગની ચીકી

શિયાળો બરાબર જામી ગયો છે, ઠંડી પણ જેમ-જેમ દિવસ જાય તેમ પોતાનો મિજાજ બતાવી રહી છે, આ કડકડતી ઠંડી સામે રક્ષણ  આપે એવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીકી બનાવવાની સિઝન શરૂ થઇ છે સામાન્ય રીતે ચીકીમાં રેલા ગોળ અને તલ જેવા તત્વોની તાસીર ગરમ હોવાથી તે ઠંડી સામે રક્ષણ પણ આપશે. આ સાથે જ હવે ઉત્તરાયણ આવવાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે અમે તમને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી તલ, સિંગ-ગોળ અને તલ-સિંગની ચીકીની રેસિપી લઇને આવ્યા છીએ.

તલની ચીકી-

સામગ્રી-

-2 વાટકી શેકેલા તલ
-1 વાડકી પાણી
-1 વાડકી ગોળ

રીત-

સૌપ્રથમ પાણી અને ગોળ ભેગા કરી ધીમી આંચે ઉકાળવા મૂકો. આ પાણી જ્યારે જાડું ફીણ જેવું થવા માંડે એટલે તેમાં શેકેલાં તલ નાખવા અને ત્યારબાદ ગેસ બંધ કરી દેવો. આ મિશ્રણ ગોળો વળે તેવું થાય ત્યાં સુધી હલાવવું. ત્યાર બાદ ઘીવાળા હાથ કરી તેનાં ગોળા કરવા. આડણી ઉપર પ્લાસ્ટિક પાથરી આ ગોળાને પાતળા વણવા. આ વણતા-વણતા જ ઠંડા પડી જશે. ત્યારબાદ તેના પીઝા કટરથી કટકા કરવા.

સીંગ ગોળની ચીકી-

સામગ્રી-

-250 ગ્રામ સીંગદાણા
-250 ગ્રામ ગોળ
-2 મોટી ચમચી ઘી
-5 થી 6 નંગ ઈલાયચીનો પાવડર

રીત-

સૌપ્રથમ સીંગદાણાને શેકીને અધકચરા વાટી લો. હવે એક નોન સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં ગોળને ઓગાળો. ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ અધકચરા વાટેલા સીંગદાણા નાખીને સારી રીતે મિક્ષ કરી લો. ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરીને નીચે ઉતારી લો. હવે એક થાળીની પાછળ તેલ લગાવીને આ મિશ્રણને પાથરી દો. મોટી પાતળી રોટલી વણો. આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી જ ઝટપટ આની રોટલી વણી લેવી. ઠંડુ થતા જ તેને તોડીને ભરી લેવી. તૈયાર છે સીંગદાણાની ચીકી.

નોંધ :- યાદ રહે કે ગોળને ગરમ કરતી વખતે હલાવતા રહેવુ જોઈએ, જો વધુ ગરમ થઈ જશે તો ગોળ કાળો થઈ જશે અને ચીકી પથ્થર જેવી થઈ જશે. સીંગદાણાની સાથે શેકીને વાટેલા તલ અને છીણેલુ કોપરું પણ નાખી શકાય છે.

તલ સિંગની ચીકી-

સામગ્રી-

-1 કપ છીણેલો ગોળ
-1/2 કપ તલ
-1/2 કપ સિંગનો ભૂકો
-2 ટેબલસ્પૂન સુકા કોપરાનું છીણ
-3 ટેબલસ્પૂન સુંઠ પાવડર
-ઘી જરૂર પ્રમાણે

રીત-

સૌપ્રથમ તલને સાફ કરીને શેકી લો. શીંગને શેકી, છોતરા કાઢી ચીલી કટરમાં ભૂકો કરી લો. સુકા કોપરાની છીણને ધીમા તાપે શેકી લો. હવે એક કઢાઈમાં ગોળ લઇ ધીમા તાપે ગરમ કરો. બરોબર ઓગળી જાય એટલે તેમાં તલ, શીંગ, કોપરાની છીણ અને સુંઠ પાવડર નાખી તરત જ ગેસ બંધ કરી લો. બરાબર હલાવીને પછી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી બરોબર ફેલાવી દો. ચપ્પા વડે કાપી લો. ઠંડુ થાય એટલે તવેથા વડે ઉખાડીને ડબ્બામાં ભરી દો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments