આ કેવી સહાય: ની રિપ્લેસમેન્ટનો લાભ માટે કલાકો સુધી ઘૂંટણ દુઃખાડવા પડે છે

0
48

સરકાર દ્વારા મા અમૃતમ્, વાત્સલ્ય યોજના અને આયુષ્માન યોજના હેઠળ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને નિઃશુલ્ક ની-રિપ્લેસમેન્ટ અને હીપ-રિપ્લેશમેન્ટનો સમાવેશ કર્યો છે. હજારો દર્દીઓ માટે આ રાહતના સમાચાર છે પરંતુ ખાનગી હોસ્પિટલમાં જે લાભાર્થીને સારવાર લેવી હશે તેમના માટે સરકારી સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ફરજિયાત બનાવાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

જે દર્દીઓ ઘૂંટણ કે થાપાના દુઃખાવાથી પીડિત છે કે જેઓને ઊભા રહેવામાં પણ તકલીફ પડી શકે છે. તેવા દર્દીઓને ખાનગી હો‌િસ્પટલમાં સારવાર મેળવવા માટે ખાનગી ડોકટરનાં ભલામણ પત્ર સાથે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સામાન્ય દર્દીની જેમ લાઇનમાં ઊભા રહેવું પડે છે. ઘૂંટણ કે થાપાની રિપ્લેસમેન્ટની સર્જરી માટેના દર્દીઓ મોટા ભાગે ઉંમરલાયક હોય છે. પરંતુ આવા દર્દીઓને દુઃખાવા સાથે સિવિલમાં બેસવાની જગ્યા મળે તેવી પણ શક્યતા ન હોવાને કારણે આખો દિવસ વીતાવવો પડશે કારણ કે, આવા દર્દીઓને સર્ટિફિકેટ લેવા માટેની કોઇ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી નથી.

મા અમૃતમ્, વાત્સલ્ય યોજના અને આયુષ્માન યોજના હેઠળ ખાનગી હોસ્પિટલમાં ઘૂંટણના એટલે કે ની રિપ્લેસમેન્ટની સર્જરી માટે છેલ્લા બે દિવસથી સરકારે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ફર‌િજયાત કરી દેતાં સિવિલ હોસ્પિટલમાં સર્ટિફિકેટ મેળવવા માટે દર્દીઓનો ધસારો વધી ગયો છે. સામાન્ય સંજોગોમાં પણ સિવિલની ઓપીડીમાં લાંબી લાઈનો હોય છે તેમાં હવે સર્ટિફિકેટ મેળવવા માગતા દર્દીઓ પણ લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડે છે.

અત્યંત આધારભૂત વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલની વ્યવસ્થા મુજબ રોજના માત્ર ૩૦ જેટલા દર્દીઓને સર્ટિફિકેટ આપી શકાશે. સિવિલનું તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે, પરંતુ સર્ટિફિકેટ માટે કોઈ અલાયદી વ્યવસ્થા કરાઈ નથી એટલે દર્દીએ ઓપીડીની લાઈનમાં ઊભા રહીને વારો આવે ત્યારે ચકાસણી કરાવીને ઓપીડી પૂરી થાય પછી સર્ટિફિકેટ મેળવવા માટે બેસી રહેવું પડશે એટલે એક આખો દિવસ માત્ર સર્ટિફિકેટ માટે ફાળવવો પડશે.

જે દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવવાની હશે તે દર્દીએ પહેલાં કોઈ સંબંધીને મોકલીને સિવિલમાં કેસ પેપર કઢાવી તારીખ મેળવવાની રહેશે. ત્યારબાદ દર્દીએ સિવિલ હોસ્પિટલમાં ફોટો અને આઈડી પ્રૂફની સાથે-સાથે લાવેલા ની રિપ્લેસમેન્ટ સર્જરી બાબતના તમામ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ ઓર્થોપેડિક વિભાગમાં તબીબી તપાસ કરાવવાની રહેશે, તેના માટે અન્ય દર્દીઓની સાથે લાઈનમાં ઓપીડીમાં બેસવું પડશે. ત્યારબાદ સર્ટિફિકેટ મેળવીને સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસમાં સહી સિક્કા કરાવવાના રહેશે. ત્યારબાદ જે તે ખાનગી હોસ્પિટલમાં સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ જ દર્દી સર્જરી કરાવી શકશે.

આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ એમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દર્દીએ ઓપીડીમાં જ ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ ઓપીડી પૂરી થયેથી તેમને સર્ટિફિકેટ અપાશે. હાલમાં કોઈ અલાયદી વ્યવસ્થા આ કામગીરી માટે કરવામાં આવી નથી.

અમૃતમ-આયુષ્માન કાર્ડ ધરાવનાર લાભાર્થીઓને નિઃશુલ્ક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સારવાર આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેથી ઘૂંટણની તકલીફ ધરાવતા કોઈપણ દર્દી ની-રિપ્લેસમેન્ટ અને હીપ-રિપ્લેસમેન્ટ ઓપરેશન વિનામૂલ્યે કરાવી શકાશે. , હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને ડોકટર ઓપરેશન કરી લીધા બાદ ઘેર જવાની રજા આપે ત્યાં સુધીનો તમામ ખર્ચ, હોસ્પિટલમાં રહેવાનો-જમવાનો ચાર્જ અને હોસ્પિટલમાંથી દર્દી રજા લઈ ઘરે પહોચી જાય એ માટેનું મુસાફરી ભાડું પણ સરકાર ઉઠાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here