ઇંગ્લેન્ડ PAK સામે સતત પાંચમી સિરીઝ જીત્યુ

0
39

ઇંગ્લેન્ડે પાકિસ્તાન વિરુદ્ધ 5 મેચની સિરીઝમાં 3-0ની લીડ મેળવી લીધી છે. તેણે ચોથી વનડેમાં પાકિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું. સિરીઝની પહેલી મેચ વરસાદના લીધે રદ થઇ હતી. ઇંગ્લેન્ડે પાકિસ્તાન વિરુદ્ધ સતત પાંચમી સિરીઝ પોતાના નામે કરી છે. છેલ્લે તેઓ 2005માં 2-3થી હાર્યા હતા

પ્રવાસી પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ગઈ કાલે ટ્રેન્ટબ્રિજમાં રમાયેલી ચોથી વન ડેમાં જે રોમાંચની આશા રાખવામાં આવી રહી હતી એવું જ કંઈક બન્યું. અંતિમ ઓવર સુધી ચાલેલી રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડે ત્રણ બોલ બાકી હતા ત્યારે ૩41 રનના લક્ષ્યને હાંસલ કરીને પાકિસ્તાનને ત્રણ વિકેટે હરાવી દીધું. ઈંગ્લેન્ડ તરફથી જેસન રોયે 114 રનની શાનદાર ઇનિંગ્સ રમીને મેચનું પાસું પલટી નાખ્યું. ઈંગ્લેન્ડ તરફથી સ્ટોક્સે પણ 71 રનની અણનમ રમીને પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. પાંચ મેચની વન ડે શ્રેણીમાં ઈંગ્લેન્ડે 3-0ની અજેય સરસાઈ હાંસલ કરી લીધી છે.

એક મેચ માટે સસ્પેન્ડ થયેલા ઇયોન મોર્ગનના સ્થાને ટીમનું નેતૃત્વ સંભાળી રહેલા જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચની શરૂઆતમાં પાકિસ્તાને બેટ્સમેન બાબર આઝમની વન ડે કરિયરની નવમી સદીની મદદથી સાત વિકેટે 340 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ સામે બાબર આઝમની આ પ્રથમ સદી હતી. બાબર ઉપરાંત મોહંમદ હાફીઝે ૫૯, ફખર જમાંએ 57 અને શોએબ મલિકે ઝડપી 41 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ટોમ કુર્રને 75 રન આપીને ચાર, જ્યારે માર્ક વૂડે 71 રન આપીને બે વિકેટ ઝડપી હતી.

ઇમામ ઉલ હકને ચોથી જ ઓવરમાં માર્ક વૂડનો બોલ કોણી પર વાગતા મેદાન છોડવાની ફરજ પડી હતી. ત્યાર બાબર આઝમ મેદાનમાં આવ્યો હતો. તેણે 112 બોલનો સામનો કરીને 13 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 115 રનની ઇનિંગ્સ રમી હતી.

પાકિસ્તાનનો આ સ્કોર જોકે પર્યાપ્ત નહોતો, કારણ કે ઈંગ્લેન્ડે ગત મેચમાં 359 રનનું લક્ષ્ય સફળતાપૂર્વક હાંસલ કર્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી જેસન રોય અને જેમ્સ વિન્સ (43)એ શાનદાર શરૂઆત કરતા પ્રથમ વિકેટની ભાગીદારીમાં 94 રન ઉમેર્યા હતા. જેસન રોયે 89 બોલનો સામનો કરીને 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 114 રનની ઇનિંગ્સ રમી હતી. જેસન રોય ઉપરાંત ચોથા ક્રમે બેટિંગમાં આવેલા બેન સ્ટોક્સે 64 બોલમાં 71 રન કરીને છેલ્લે સુધી અણનમ રહ્યો હતો અને તેણે પોતાની ટીમને જીત અપાવી દીધી હતી. પાકિસ્તાન માટે ઇમાદ વસીમ અને મોહમ્મદ હસનેને 2-2 વિકેટ લીધી હતી. પાકિસ્તાને સતત ત્રીજી મેચમાં 300થી વધુ રન બનાવવા છતાં તમામ મેચમાં તેનો પરાજય થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here