અમદાવાદના સન્ની ચૌહાણ, રવિ રામી, જિતેશ રાવલ તેમજ રાહીલ અબ્બાસી અને શાહરુખ મેમણ નામના યુવકોએ ઇન્દોરમાં ઇન્ટરનેશનલ કોલસેન્ટર શરૂ કર્યું હતું. અમેરિકાની એફબીઆઇ (ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન)ની ટીમે ઇન્દોરની સાયબર સેલને બાતમી આપ્યા બાદ સમગ્ર કૌભાડનો પર્દાફાશ થયો હતો.
ઇન્દોરમાં આવેલ વિજયનગર ખાતે પ્લેટિનમ પ્લાઝાની બે બિલ્ડિંગમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર (International Call Center) ચાલી રહ્યું હોવાની બાતમી એફબીઆઇએ ઇન્દોરની સાયબર સેલની ટીમને આપી હતી. બાતમીના આધારે તારીખ ૧૧ જૂનના રોજ સાયબર સેલના એસપી જિતેન્દ્રસિંધ અને તેમની ટીમે બન્ને કોલ સેન્ટર પર દરોડા પાડીને ૭૮લોકોની ધરપકડ કરી હતી. કોલ સેન્ટરમાં સાયબરસેલે ૬૦ કમ્પ્યૂટર, ૭૦ મોબાઇલ ફોન અને મેજિક જેક સાથે ૭૮ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ મેધાલય અને નાગાલેન્ડ સહિત અલગ અલગ રાજ્યોના હોવાનું એસપી જિતેન્દ્રસિંધે જણાવ્યું છે.
સાયબર સેલની તપાસમાં સામે આવ્યું છે કે આ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર (International Call Center) જાવેદ મેમણ અને રાહીલ અબ્બાસી અને શાહરુખ મેમણ હેન્ડલ કરે છે. આ કોલ સેન્ટરમાં વિદેશી નાગરિકો પાસેથી લોન આપવાના તેમજ ગિફ્ટ કાર્ડ આપવાના બહાને ૫૦ ડોલરથી પાંચહજાર ડોલર સુધીનું ચીટિંગ કરવાની કામગીરી ચાલતી હતી. પોલીસને તમામ આરોપી પાસેથી દસ લાખ નંબર યુએસના નાગરિકોના મળ્યા છે. પોલીસ જાવેદ મેમણની ધરપકડ કરી છે જ્યારે રાહીલ અને શાહરુખ મેમણ વોન્ટેડ છે. રાહીલ અને શાહરુખ અમદાવાદના રહેવાસી છે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. જ્યારે આ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાં અન્ય અમદાવાદના યુવકોના નામ પણ ખૂલ્યાં છે.
પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, ચિંટીગ કરીને આવેલા રૂપિયાના હવાલાનું કામ અમદાવાદના સન્ની ચૌહાણ, રવી રામી અને જિતેશ રાવલનું હતું. શાહરુખ અને રાહીલ સિવાય આ ત્રણેય યુવકો પણ કોલ સેન્ટરમાં ભાગીદાર હતા. આવનારા દિવસોમાં ઇન્દોર પોલીસની સાયબર સેલની ટીમ અમદાવાદમાં ઇન્વેસ્ટિગેશન માટે આવે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, કોલ સેન્ટર કૌભાંડનો કિંગ ગણાતા સાગર ઠાકર ઉર્ફે સેગીની ગેંગ સાથે જિતેશ રાવલ તેમજ સન્ની ચૌહાણ અને રવિ રામી સંકળાયેલા છે. બે મહિના પહેલા ઉદયપુર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને બાતમી મળી હતી કે બી.એન. કોલેજની સામે આવેલ સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્સના ત્રીજા માળ પર ઇન્ટરનેશનલ કોલસેન્ટર ચાલી રહ્યુ છે. બાતમીના આધારે એસઓજી ગ્રૂપ તેમજ ભુપાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ દરોડા પાડીને ૨૪ યુવકોની ધરપકડ કરી છે. પોલીસે ઘટના સ્થળ પરથી ૫૦ કમ્પ્યૂટર, ૨૭ મોબાઇલ જપ્ત કર્યા છે. આ ચકચારી કેસમાં કોલસેન્ટર ચલાવનાર મુખ્ય સૂત્રધાર અમદાવાદનો મનીશ હતો.