રાને અમેરિકાને શનિવારે ફરી ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેમના પર એક ગોળી પણ છોડવામાં આવશે તો અમેરિકા અને તેના સહયોગી દેશોને ભારે પડશે. ઇરાની સૈન્યના પ્રવક્તા અબોલફઝલે કહ્યું કે તેમના પર થયેલા કોઈપણ હુમલાના અમેરિકા માટે ગંભીર પરિણામ હશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્બાસ મૌસ્વીએ પણ કહ્યું હતું કે ઇરાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કોઈપણ રીતે ચલાવી લેવાશે નહીં. દરમિયાનમાં અમેરિકા અને ઇરાન વચ્ચેના વિવાદની અસર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પડવાની શરૂ થઈ ગઈ છે.
ભારતની તમામ એર લાઈન્સ ઇરાનની હવાઈ સીમાનો ઉપયોગ નહીં કરે: DGCA
ભારતની તમામ એરલાઈન્સે ડીજીસીએ સાથે વાતચીત કરીને ઇરાનની હવાઈ સીમામાં લઈ જવાનો નિર્ણય કર્યો છે. મુસાફરોની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો હોવાનો ડીજીસીએ દ્વારા જણાવાયું હતું. દરેક વિમાની કંપની વૈકલ્પિક રૂટ વિચારશે. ભારત ઉપરાંત વિશ્વની નવ અન્ય આંતરરાષ્ટ્રીય વિમાની કંપનીઓએ પણ ઇરાનની હવાઈ સીમાનો ઉપયોગ નહીં કરવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયને કારણે ભારતથી મધ્ય પૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકા વચ્ચેનું અંતર વધી જશે. પાકિસ્તાનમાં બાલાકોટમાં ભારતે કરેલી એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાનની એર સ્પેસ હજુ પણ બંધ છે. આથી ભારતીય એરલાઈન્સ કંપનીઓને વધારાનો ઇંધણ ખર્ચ કરવો પડે છે. આ સ્થિતિમાં નુકસાન હજુ વધી શકે છે.
વિશ્વની 9 એરલાઈન્સે ઇરાની હવાઈ સીમા છોડી
અમેરિકાની યુનાઈટેડ એરલાઈન્સ, જર્મનીની લુફથાન્સા, કેથે પેસિફિક, નેધરલેન્ડની કે.એલ.એમ., યુએઈની એતિહાદ, ઓસ્ટ્રેલિયાની ક્વોન્ટાસ, બ્રિટિશ એરવેઝ અને સિંગાપુર એરલાઈન્સે ઇરાનની હવાઈ સીમાનો ઉપયોગ નહીં કરવાનું નક્કી કર્યું છે.
વિકલ્પ : એર ઇન્ડિયા નવો માર્ગ વિચારશે
એર ઇન્ડિયાના સીએમડી અશ્વિન લોહાણીએ કહ્યું કે ઇરાની હવાઈ સીમાનો વપરાશ બંધ કરવાથી તેમની ફ્લાઈટને બહુ અસર નહીં થાય. પશ્ચિમના દેશોમાંથી આવનારી ફ્લાઈટ માટે વૈકલ્પિક માર્ગ વિચારાઈ રહ્યો છે. ભારતીય એર લાઈન્સની આ જાહેરાત પહેલાં યુએઈની એતિહાદ એરવેઝે પણ સ્થાનિક સત્તાવારાઓ સાથે ચર્ચા કરી ઇરાની એર સ્પેસ છોડીને વૈકલ્પિક માર્ગે ફ્લાઈટ ઉડાડવાનું નક્કી કર્યું છે.
અમેરિકા કે તેમના સહયોગીઓએ ભૂલ કરી તો યોગ્ય નહીં થાય- ઈરાન
ટ્રમ્પનું કહેવું છે કે, તેઓ ઈરાન સાથે યુદ્ધ કરવા નથી માંગતા. જોકે ઈરાને એવું પણ કહ્યું હતું કે, તેઓ પણ યુદ્ધ નથી ઈચ્છતા. પરંતુ જો તેમના પર હુમલો થયો તો તેઓ તેનો જડબા તોડ જવાબ આપશે. ઈરાની સેનાના પ્રવક્તા અબોલફઝલે શનિવારે કહ્યું કે, જો અમેરિકા અથવા તેમના સહયોગી કોઈ ભૂલ કરશે તો યોગ્ય પરિણામ નહીં આવે.