ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક કચોરી વેચનારો કરોડપતિ હોવાનું બહાર આવતા સામાન્ય લોકોની સાથે સાથે તપાસ કરતી એજન્સી પણ આશ્ચર્યમાં મુકાઈ છે. તપાસમાં બહાર આવ્યું છે કે કચોરી વેચનારાનું ટર્નઓવર વર્ષે કરોડોથી પણ વધુ છે. વ્યાપારીએ દુકાનની નોંધણી જીએસટી હેઠળ કરાવ્યું છે, જેને પગલે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરોએ કચોરીવાળાને નોટિસ ફટકારી છે.
હિંદુસ્તાનના એક સમાચાર મુજબ અલીગઢમાં સીમા ટોકીઝની નજીક એક કચોરીવાળાની દુકાન છે. મુકેશ નામનો આ શખ્સ છેલ્લા 10-12 વર્ષથી આ દુકાન ચલાવે છે. થોડા સમય પહેલાં લખનઉના સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરોએ વેપારી અંગે ફરિયાદ મળી હતી.
ફરિયાદ મળ્યા બાદ કિસ્સો લખનઉથી અલીગઢ પહોંચ્યો હતો. એ બાદ અલીગઢ વાણિજ્ય કર વિભાગની ટીમે સૌથી પહેલાં તો દુકાન શોધી થોડા દિવસ દુકાનની રેકી કરી દુકાનના વેપાર અંગે માહિતી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. એ બાદ ગઈ 21મીએ વિભાગની ટીમે દુકાન ઉપર દરોડા પાડ્યા હતા. દરોડા પાડવા દરમિયાન વેપારીએ પોતે જ વર્ષે લાખ્ખોના ટર્ન ઓવરની વાત સ્વીકારી લીધી હતી.
હેવાલ મુજબ વેપારીએ પોતે જ ગ્રાહકોની સંખ્યા, કાચા માલની ખરીદી, રિફાઇન્ડ, ખાંડ અને ગેસ સિલિન્ડર ખર્ચ અંગે તપાસ અધિકારીઓને બધી જાણકારી આપી હતી.
એક વર્ષનો ટેક્સ ચૂકવવો પડશે
યાદ રહે કે સરકારી નિયમો અનુસાર 40 લાખ રૂપિયાથી વધુ ટર્નઓવરવાળા વેપારીઓને જીએસટીમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. કચોરીનો વેપારીનું વર્ષે ટર્નઓવર 60 લાખથી વધુ છે. એમ મનાય છે કે વિસ્તૃત તપાસ બાદ ટર્ન ઓવર એક કરોડથી વધી જવાની અપેક્ષા છે. એમ છતાં આ વેપારીએ જીએસટીમાં નોંધણી કરાવી ન હતી. એ સંજોગોમાં નોંધણી કરાવીને છેલ્લા એક વર્ષના વેપાર પર ટેક્સ ચૂકવવો પડશે.