ઉત્તરાયણનો તહેવાર કેવો રહેશે તેનો આધાર પવનની ગતિ પરથી નક્કી થાય છે. જો પવન સારો તો ઉત્તરાયણ સારી પરંતુ જો પવન જ ન હોય તો ઠુમકા મારી મારીને હાથ દુખાડવાનો વારો આવે છે. જોકે, આ વર્ષે તમારે બહુ ઠુમકા નહીં મારવા પડે. કારણ કે હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આવતીકાલે ઉત્તરાયણ પર પવન સારો રહેશે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આવતીકાલે 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી પતંગ રસિયાઓએ ઠુમકા નહીં મારવા પડે. સડસડાટ પતંગ ચગી જશે. આવતીકાલે ઉતરાયણના તહેવાર પર ઉતર-પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાશે. જેથી ઉત્તરાયણના દિવસે પુરતા પ્રમાણમાં પવન રહેતા પતંગ ચગાવવામાં તકલીફ નહી પડે. જોકે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનોથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. 14 અને 15 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીમાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે, અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10થી 12 ડિગ્રી નોંધાઈ શકે છે. ફિરકી અને પતંગ સાથે ગોગલ્સ અને ટોપી પહેરીને ધાબે ચઢી જજો પરંતુ સ્વેટર લેવાનું ન ભૂલતા.