ઉત્તર પ્રદેશમાં આ પાર્ટી ગઠબંધનથી દૂર રહી 80 બેઠકો પરથી લડશે ચૂંટણી

0
23

ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાએ ગઠબંધન કરી લીધુ છે, આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસને આ ગઠબંધનમાંથી બહાર રાખી છે. જોકે કોંગ્રેસે પણ હવે વળતા પાંસા ફેંક્યા છે અને રવિવારે જાહેરાત કરી હતી કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. કોંગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, રાજ બબ્બર, સંજયસિંહ સહીતનાએ લખનઉમાં પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી.

તેથી હવે ઉત્તર પ્રદેશમાં સપા, બસપા, કોંગ્રેસ, ભાજપ અને અન્ય નાના સ્થાનિક પક્ષો વચ્ચે જંગ જોવા મળશે. આ પહેલા સપા અને બસપાએ ગઠબંધન કરી લીધુ હતું અને બન્નેએ ૩૮-૩૮ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી હતી. જ્યારે રાહુલ ગાંધીની અમેઠી અને સોનિયા ગાંધીની રાય બરેલી બેઠક ખાલી રાખી હતી. જ્યારે અન્ય બે બેઠકો અન્ય નાના સ્થાનિક પક્ષો માટે ખાલી રાખી હતી અને ૭૬ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી હતી.

આ દરમિયાન માયાવતીએ કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર સહીતના આરોપો પણ લગાવ્યા હતા સાથે જણાવ્યું હતું કે સપા અને બસપાનું ગઠબંધન ઉત્તર પ્રદેશમાં ભાજપના સુપડા સાફ કરી નાખશે. ત્યારે હવે કોંગ્રેસે પણ ૮૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી હતી. આ સાથે જ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મોદીને આ દેશની નહીં પણ તેમની પોતાની વડા પ્રધાનની ખુરશીની જ ચીંતા છે. આ સરકારના કાર્યકાળમાં દેશનું સૌથી મોટુ સંરક્ષણ કૌભાંડ બહાર આવ્યું છતા સરકારે કોઇ જ તપાસના આદેશ ન આપ્યા. જ્યારે કોંગ્રેસે હંમેશા દેશને આગળ રાખ્યો છે.

આઝાદે કહ્યું હતું કે આઝાદી પહેલાથી જ કોંગ્રેસ આ દેશના ગરીબો, દલિતો, વંચીતો, ખેડૂતો માટે હંમેશા લડત ચલાવતી આવી છે અને આગળ પણ અમારી આ લડત જારી રહેશે. કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોક દળ પક્ષ સાથે ગઠબંધન કરી શકે છે. જોકે આ અંગે કોઇ નિવેદન આપવાની આઝાદે ના પાડી દીધી હતી. સાથે કોંગ્રેસ એકલા હાથે જ ઉત્તર પ્રદેશની ચૂંટણી લડશે તે બાબત સ્પષ્ટ કરી દીધી હતી. સાથે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશનું આ વખતનું પરીણામ સપા, બસપા,ભાજપ માટે ચોંકાવનારુ સાબીત થશે અને કોંગ્રેસ સૌથી વધુ બેઠકો જીતશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here