ઉનાવા યાર્ડમાં તમાકુની હરાજી ન થતાં ખેડૂતોનો હલ્લાબોલ

0
37

ઊંઝાઃ ઉનાવા માર્કેટયાર્ડમાં મંગળવારે બીજા દિવસે પણ વેપારીઓ GSTની રેડના ભયથી હરાજીથી વિમુખ રહેતાં તમાકુ લઇને આવેલા ખેડૂતો રોષે ભરાયા હતા અને 1500થી વધુ ખેડૂતોએ માર્કેટયાર્ડ ઓફિસ આગળ હલ્લાબોલ મચાવ્યો હતો. દરમિયાન, ચેરમેને એપીએમસી હરાજી કરવા તૈયાર છે, પણ વેપારીઓ આવતા ન હોઇ અમારો શું વાંક! તેમ કહી સમજાવતાં માંડ માંડ મામલો થાળે પડ્યો હતો.

ઊંઝા, ઉનાવા અને કહોડામાં GSTની ટીમોએ સોમવારે દરોડા પાડ્થીયા હતા. ઉનાવા એપીએમસીમાં 63 નંબરની પેઢીએ GSTની ટીમ સોમવારે સવારે ચાલુ હરાજીએ પહોંચતા તમાકુની હરાજી 17,697 બોરી સુધી પહોંચી હતી, પણ GST ના દરોડાની ભનક પડતાં જ વેપારીઓ ચાલુ હરાજીએ જતા રહેતાં ઉત્તર ગુજરાતમાંથી તમાકુ વેચવા અહીં આવેલા ખેડૂતોની હાલત કફોડી થઈ હતી.

એપીએમસી ચેરમેન સુરેશભાઈ પટેલે મંગળવાર સવારે 9 વાગે માર્કેટયાર્ડ હોલમાં તમાકુ ખરીદતા વેપારીઓની તાકીદે બેઠક બોલાવી હરાજી બંધ ન રાખવા સમજાવતાં ચાલુ બેઠકમાં વેપારીઓએ હરાજી આજથી ચાલુ રહેશે કહી નીકળ્યા બાદ હરાજી સ્થળે નહીં ફરકતાં ખેડૂતો બીજા દિવસે પણ વેપાર ન થતાં અસમંજસમાં મુકાઇ ગયા હતા અને 1500 જેટલા ખેડૂતોએ માર્કેટયાર્ડ ઓફિસ આગળ હલ્લાબોલ કરતાં ચેરમેન અને મંત્રીએ ખેડૂતોને જણાવ્યું કે એપીએમસી તો હરાજી કરવા તૈયાર છે, પણ વેપારીઓ ના આવે તો એમાં અમારો શું વાંક! ભારે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. દરમિયાન, માર્કેટયાર્ડએ ખેડૂતો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ગોઠવી હતી. હાલની તારીખે ઉનાવા માર્કેટયાર્ડમાં 70 હજાર બોરી આવક છે અને અત્યાર સુધીમાં 12 લાખ બોરીની આવક થઇ છે.