એકેય ટ્યુશન ક્લાસિસમાં ફાયર સેફ્ટી નહીં, શિક્ષણાધિકારી અને ફાયર વિભાગની એકબીજાને ખો

0
54

અમદાવાદ: જીવરાજપાર્કના સહજાનંદ કોમ્પ્લેક્સમાં ગોડાઉનમાં આગ લાગી હતી. જેના પગલે ઉપરના માળે ચાલતાં ટ્યુશન ક્લાસિસમાં ફાયર સેફ્ટી પર સવાલો ઉભા થયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્યુશન ક્લાસિસમાં તપાસ કરતાં એકેય ક્લાસિસમાં અને કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીની સુવિધા જોવા મળી ન હતી. CN24NEWS સાથેની વાતચીતમાં ખુદ ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે સ્વીકાર્યું હતું કે, અમદાવાદમાં એક પણ ક્લાસિસ સંચાલકો ફાયર સેફ્ટીના એનઓસી માટે અરજી કરી નથી. ફાયર વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારી એકબીજા પર વાત ઢોળીને ખો આપી રહ્યા છે.

જિલ્લા શિક્ષણાધિકારી અને ફાયર વિભાગે હાથ અધ્ધર કરી દીધાં

અમદાવાદમાં ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ફાયર સેફ્ટી બાબતે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, સુરતમાં ટ્યુશન ક્લાસિસમાં આગની બનેલી ઘટનાને ધ્યાનમાં રાખી ચાર દિવસ પહેલા અમે ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસરને પત્ર લખી અને ટ્યુશન ક્લાસિસની યાદી આપી છે. યાદીમાં જણાવેલા ટ્યુશન ક્લાસિસમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ થાય તેવી કાર્યવાહી કરવી. જ્યારે પત્ર બાબતે ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા પત્ર મળ્યો છે. અમારું કામ ઇન્સ્પેક્શન કરી એનઓસી આપવાનું છે. ફાયર સેફ્ટીની સુવિધા પૂરી પાડવા અંગેના સર્ક્યુલર બહાર પાડવાની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારીની છે.

તમામ ટ્યુશન ક્લાસિસની તપાસ, બાદમાં કલેક્ટરને રિપોર્ટ કરીશું : અમદાવાદ ગ્રામ્ય DEO

અમદાવાદ ગ્રામ્ય DEOએ ફાયરસેફ્ટી બાબતે જણાવ્યું હતું કે, અમે ટયુશન ક્લાસિસમાં ચકાસણી બાબતે પાંચ દિવસની ડ્રાઈવ શરૂ કરી છે. ક્લાસિસ અંગે તપાસ કરી અને સંબંધિત વિભાગ સાથે સંકલન કરી અને બાળકોની તકેદારી રાખવા સંચાલકોને તાકીદ કરીશું. અત્યારે માત્ર તપાસ કરવામાં આવી રહી છે કોઈને નોટિસ આપવામાં આવી નથી. પાંચ દિવસ સુધી તપાસ બાદ કલેકટર સાથે મીટીંગ કરી અને પગલાં લેવામાં આવનાર છે.

ટ્યુશન ક્લાસિસમાં સીસીટીવી ખરા પણ ફાયરની સુવિધા નહીં

અમદાવાદમાં ચાલતા મોટાભાગના ટ્યુશન ક્લાસિસમાં સંચાલકોએ પોતાની ક્લાસિસની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે પરંતુ બાળકોની સંચાલકોએ કોઈ પણ તકેદારી ન રાખી અને ફાયર સેફ્ટીના સાધનો ક્લાસિસમાં લગાવ્યા નથી. મોટાભાગના કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીની પણ સુવિધાઓ જોવા મળી નથી. શહેરમાં અનેક એવા કોમ્પ્લેક્સ છે જેમાં સુવિધાઓ નથી જેના કારણે મોટી દુર્ઘટના બનતી અટકાવી શકાતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here